મોહમ્મદ અઝહરુદ્દીનની હકાલપટ્ટી

18 June, 2021 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષપદેથી કાઢી મૂકવામાં આવ્યો, જોકે ભૂતપૂર્વ કૅપ્ટન કહે છે કે લુટારાઓની બનેલી અપેક્સ કાઉન્સિલને તેની સામે પગલાં લેવાનો કોઈ જ અધિકાર નથી

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષપદેથી હટાવી દેવામાં આવ્યો છે. અસોસિએશનની અપેક્સ કાઉન્સિલે એક દિવસ પહેલાં જ તેને શો કૉઝ નોટિસ આપી હતી અને તેની સામેના ભ્રષ્ટાચારને લગતા કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાનું જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત અસોસિએશનમાં તેની મેમ્બરશિપ પણ કૅન્સલ કરી દેવામાં આવી હતી. જોકે અઝહરુદ્દીને વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘અપેક્સ કાઉન્સિલના મેમ્બરો સામે ભષ્ટાચારની તપાસ ચાલી રહી હોવાથી તેમને મારી સામે આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી તેમ જ તેમણે મને હાકી કાઢવાનો કોઈ અધિકાર જ નથી.’

અઝહરુદ્દીન સપ્ટેમ્બર ૨૦૧૯માં હૈદરાબાદ ક્રિકેટનો બૉસ બની ગયો હતો, પણ પહેલેથી તેની સામે વિરોધ રહ્યો હતો કેમ કે મેમ્બરો સાથે ચર્ચાવિચારણા કર્યા વગર તે હંમેશાં બધા નિર્ણય પોતાની મરજી પ્રમાણે લેતો હતો. 

આ ઉપરાંત અઝહરુદ્દીન પર હિતોના ટકરાવનો મામલો હતો. તે દુબઈની એક પ્રાઇવેટ ક્લબના મેન્ટર તરીકે સેવા આપી રહ્યો હતો અને એ પ્રાઇવેટ ક્બલ એક ટી૧૦ ટુર્નામેન્ટમાં પણ લાભ લે છે, જેને ભારતીય ક્રિકેટ બોર્ડે માન્યતા નથી આપી. 

વર્ષ ૨૦૦૦માં મૅચ ફિક્સિંગના મામલે ક્રિકેટ બોર્ડે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો, પણ ૨૦૧૨માં આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે એ પ્રતિબંધ રદ કરી નાખ્યો હતો, પણ ત્યાં સુધીમાં બહુ જ મોડું થઈ ગયું હતું અને તેનું કરીઅર પણ ખતમ થઈ ગયું હતું. 

cricket news mohammad azharuddin sports news sports