02 August, 2024 08:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અંશુમાન ગાયકવાડ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું ૭૧ વર્ષની વયે લાંબી બીમારી બાદ ૩૧ જુલાઈએ રાતે નિધન થયું હતું. બ્લડ કૅન્સરથી પીડાઈ રહેલા અંશુમાન ગાયકવાડ થોડા સમય પહેલાં લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ગઈ કાલે બપોરે વડોદરામાં પરિવારના સભ્યો અને રમતગમત, રાજકારણ તથા અન્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓની હાજરીમાં કીર્તિ મંદિરમાં દીકરા શત્રુંજય ગાયકવાડે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
બુધવારે રાતે વડોદરાની પ્રાઇવેટ હૉસ્પિટલમાં નિધન થયા બાદ તેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લઈ જવાયો હતો. ક્રિકેટ બોર્ડના પ્રમુખ રૉજર બિન્ની, ભૂતપૂર્વ વિકેટકીપર નયન મોંગિયા અને કિરણ મોરે સહિત બરોડા ક્રિકેટ અસોસિએશનના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન અધિકારીઓ અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.
પહેલી વાર ‘મિડ-ડે’ના માધ્યમથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટીલે દુનિયા સામે અંશુમાન ગાયકવાડને મદદ કરવા સંદર્ભે અપીલ કરી હતી. ત્યાર બાદ ભારતીય કૅપ્ટન કપિલ દેવ સહિત મોહિન્દર અમરનાથ, મદન લાલ અને કીર્તિ આઝાદ પણ તેમના સાથી-ખેલાડીની મદદ માટે આગળ આવ્યા હતા. એ પછી ક્રિકેટ બોર્ડે ગાયકવાડની સારવાર માટે એક કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું.
અંશુમાન ગાયકવાડે ૪૦ ટેસ્ટમૅચ અને ૧૫ વન-ડે ઇન્ટરનૅશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગાયકવાડ બાવીસ વર્ષની ક્રિકેટ-કારકિર્દીમાં ૨૦૫ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા અને તેઓ ૧૯૯૭થી ૨૦૦૦ના વર્ષ વચ્ચે બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચ રહ્યા હતા. તેઓ ૨૦૦૦ના વર્ષમાં ICC ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રનરઅપ રહેલી ભારતીય ટીમના કોચ પણ હતા. તેમના કોચિંગ હેઠળ અનિલ કુંબલેએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટમાં ૧૦ વિકેટ લઈને પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકૉર્ડ કર્યો હતો.
ગાયકવાડ ૧૯૯૦ના દાયકામાં નૅશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ અસોસિએશનના અધ્યક્ષ પણ હતા. જૂન ૨૦૧૮માં ક્રિકેટ બોર્ડે તેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પણ કામ કર્યું હતું અને ૨૦૦૦માં એ કંપનીમાંથી તેઓ નિવૃત્ત થયા હતા.
રમત પ્રત્યેનું તેમનું સમર્પણ અને પ્રેમ અજોડ હતાં. તેઓ માત્ર ક્રિકેટર જ નહોતા, ઘણા લોકોના માર્ગદર્શક અને મિત્ર પણ હતા. : રૉજર બિન્ની, ક્રિકેટ બોર્ડના પ્રમુખ
અંશુમાન ગાયકવાડજીને ક્રિકેટમાં તેમના યોગદાન બદલ યાદ કરવામાં આવશે. તેઓ પ્રતિભાશાળી ખેલાડી અને ઉત્તમ કોચ હતા. : નરેન્દ્ર મોદી, વડા પ્રધાન