વેસ્ટ ઇન્ડીઝની હારથી પહેલાં બહુ દુઃખ થતું, પણ હવે એટલું નથી થતું : ગોર્ડન ગ્રિનિજ

04 July, 2023 12:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૅરિબિયનો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય ન થતાં ગાર્નરે કહ્યું કે ‘હવે તો યુવાનો ટી૨૦ લીગ તરફ જ વળે છે, પરંતુ એમાં તેમનો દોષ નથી’

ગોર્ડન ગ્રિનિજ અને જોએલ ગાર્નર

જે ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટનો સુવર્ણ કાળ જોયો છે તેમનાથી વર્તમાન કૅરિબિયન ટીમની કફોડી હાલત જોવાતી નથી. ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી વાર ક્વૉલિફાય ન થતાં દિગ્ગજ ક્રિકેટર્સ ગોર્ડન ગ્રિનિજ અને જોએલ ગાર્નરને બહુ દુઃખ થયું છે, કારણ કે વિશ્વકપ જીતવાની લાગણીઓનો અભૂતપૂર્વ અનુભવ તેઓ કરી ચૂક્યા છે. હવે વેસ્ટ ઇન્ડીઝે જે પછડાટ જોવી પડી એ વિશે પી.ટી.આઇ.એ મહાન ઓપનિંગ બૅટર ૭૨ વર્ષના ગ્રિનિજનો અને મહાન ફાસ્ટ બોલર ૭૦ વર્ષના ગાર્નરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પેટછૂટી વાત કરી હતી.

ગોર્ડન ગ્રિનિજે શું કહ્યું?
 
(૧) થોડાં વર્ષોથી હું ટીવી પર ક્રિકેટ બહુ જોતો નથી. ખાસ કરીને વાઇટ-બૉલ ક્રિકેટ (મર્યાદિત ઓવર્સની મૅચો) નથી જોતો.
(૨) અગાઉ વેસ્ટ ઇન્ડીઝ હારતું ત્યારે મને બહુ દુઃખ થતું, પણ હવે એટલું નથી થતું, કારણ કે છેલ્લાં થોડાં વર્ષોથી વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટનું ધોરણ કથળી ગયું છે.
(૩) હા, વેસ્ટ ઇન્ડીઝ વિનાના વર્લ્ડ કપની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. કોઈએ પણ આવું નહીં ધાર્યું હોય.
(૪) અમારી બૅટિંગ લાઇન-અપમાં હવે ડેપ્થ નથી રહી.

જોએલ ગાર્નરે કહ્યું કે ‘યુવા ખેલાડીઓ ટી૨૦ લીગ તરફ વળી રહ્યા છે એમાં ખોટું નથી, આર્થિક સલામતી તો દરેક ખેલાડી ઇચ્છે’

(૧) અમારા જેવી વેસ્ટ ઇન્ડીઝની ટીમ હવે છે જ ક્યાં? અગાઉ તો વેસ્ટ ઇન્ડીઝ વતી રમવા મળતું ત્યારે બહુ ગર્વ થતો અને પછીની પેઢીના ખેલાડીઓ અમારી ટીમની સિદ્ધિઓથી મોટિવેટ થતા હતા.
(૨) હવે તો યુવા ખેલાડીઓ ટી૨૦ લીગ તરફ વળ્યા છે. એમાં તેમનો દોષ નથી, કારણ કે આર્થિક સલામતી તો દરેક વ્યક્તિ ઇચ્છતી હોય.
(૩) અમે રમતા ત્યારે બહુ પૈસા નહોતા મળતા. કાઉન્ટી ક્રિકેટ રમીને થોડાઘણા પૈસા બનાવતા હતા, પરંતુ હવેની પેઢીના ક્રિકેટર્સ પાસે કમાણીના ઘણા વિકલ્પ છે અને એમાંના કોઈ વિકલ્પનો તેઓ લાભ લે તો એમાં તેમને દોષ ન દેવાય.
(૪) હા, વેસ્ટ ઇન્ડીઝ વતી રમવા મળે એમાં ગર્વ અનુભવાય એ સમયકાળને પાછો તો લાવવો જ રહ્યો.
(૫) વેસ્ટ ઇન્ડીઝના યુવા ખેલાડીઓને મદદ કરવા અમે હંમેશાં તૈયાર હોઈએ છીએ, પણ કોનો શું રોલ હશે એ બાબતમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. બાકી, વેસ્ટ ઇન્ડીઝમાં ટૅલન્ટની કોઈ તંગી નથી.

west indies world cup cricket news sports sports news