ભૂતપૂર્વ ચૅમ્પિયન શ્રીલંકા સહેલાઈથી ન જીતી શક્યું ટચૂકડા નામિબિયા સામે

20 October, 2021 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વાત આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, સ્કૉટલૅન્ડ કે અફઘાનિસ્તાનની નથી. નામિબિયા જેવા ક્રિકેટના ‘ટચૂકડા’ દેશના ખેલાડીઓએ સોમવારે અબુ ધાબીમાં શ્રીલંકાને આસાનીથી નહોતું જીતવા દીધું.

નામિબિયાના ક્રૅગ વિલિયમ્સે સોમવારે શ્રીલંકા સામેની મૅચમાં બે સિક્સર ફટકારી હતી. તેના ૨૯ રન ટીમમાં હાઇએસ્ટ હતા. એ.એફ.પી.

ટી૨૦ વર્લ્ડ કપમાં ૮ દેશો વચ્ચે જે ક્વૉલિફાયર રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં ક્રિકેટજગતના નવાસવા દેશો મોટા ગજાના દેશોને જોરદાર ટક્કર આપી રહ્યા છે. આ વાત આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, સ્કૉટલૅન્ડ કે અફઘાનિસ્તાનની નથી. નામિબિયા જેવા ક્રિકેટના ‘ટચૂકડા’ દેશના ખેલાડીઓએ સોમવારે અબુ ધાબીમાં શ્રીલંકાને આસાનીથી નહોતું જીતવા દીધું.
ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન શ્રીલંકાએ બૅટિંગ આપ્યા પછી નામિબિયાએ માત્ર ૯૬ રન બનાવ્યા હતા, પરંતુ શ્રીલંકાએ ૯૭ રનનો લક્ષ્યાંક મેળવવા જતાં શરૂઆતમાં માત્ર ૨૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આઉટ થનારાઓમાં કુસાલ પરેરા, દિનેશ ચંદીમલ અને પાથમ નિસ્સાંકા હતા. નામિબિયા વતી રુબેન ટ્રમ્પલમૅન, બર્નાર્ડ શૉલ્ટ્ઝ અને જે. જે. સ્મિટે એક-એક વિકેટ લીધી હતી. આ ત્રણ આંચકા પછી અવિષ્કા ફર્નાન્ડો (૩૦ અણનમ) અને ભાનુકા રાજાપક્સા (૪૨ અણનમ)ની જોડીએ શ્રીલંકાને ૧૪મી ઓવરમાં ૧૦૦ રનનો સ્કોર અપાવવાની સાથે જીત પણ અપાવી દીધી હતી.
આજે (સાંજે ૭.૩૦થી) અબુ ધાબીમાં દાસુન શનાકાના નેતૃત્વમાં શ્રીલંકાનો મુકાબલો આયરલૅન્ડની મજબૂત ટીમ સામે છે. આયરલૅન્ડે સોમવારે નેધરલૅન્ડ્સને હરાવી દીધું હતું. એ મૅચમાં આયરલૅન્ડના સીમ બોલર કર્ટિસ કૅમ્ફરે ૪ બૉલમાં ૪ વિકેટ લીધી હતી. આયરિશ ટીમમાં કેવિન ઓબ્રાયન, પૉલ સ્ટર્લિંગ અને ઍન્ડી મૅકબ્રાયન જેવા જાણીતા પ્લેયર્સ છે.

cricket news sports news sports sri lanka