મહિલા ક્રિકેટ કૉમેન્ટેટર ચંદ્રા નાયડુનું નિધન

06 April, 2021 02:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચંદ્રા ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન સી. કે. નાયડુનાં પુત્રી હતાં

ચંદ્રા નાયડુ

ભારતમાં ક્રિકેટની પ્રારંભિક તબક્કાની મહિલા કૉમેન્ટેટર ચંદ્રા નાયડુનું રવિવારે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષનાં હતાં. ચંદ્રા ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન સી. કે. નાયડુનાં પુત્રી હતાં.

ચંદ્રા નાયડુના ભાણેજ અને ભૂતપૂર્વ સ્થાનિક ક્રિકેટર વિજય નાયડુએ જાણકારી આપી હતી કે તેમની માસી ચંદ્રાએ મનોરમાગંજ સ્થિત પોતાના ઘરે છેલ્લા શ્વાસ લીધા હતા. ઉંમરને લીધે થતી બીમારીથી તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી હરી-ફરી નહોતાં શકતાં.

નૅશનલ ચૅમ્પિયન્સ બૉમ્બે અને એમસીસીની ટીમ વચ્ચે ઇન્દોરમાં ૧૯૭૭માં રમાયેલી ક્રિકેટ મૅચમાં તેમણે પહેલી વાર કૉમેન્ટરી કરી હતી. વ્યાવસાયિક રીતે ચંદ્રા ક્રિકેટ કૉમેન્ટેટર નહોતાં, પણ તેઓ અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે રિટાયર થયાં હતાં. પોતાના પિતા સી. કે. નાયડુના જીવન પર તેમણે ‘સી. કે. નાયડુ-અ ડૉટર રિમેમ્બર્સ’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી સંજય જગદાળેએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો હતો.

sports sports news cricket news