છેલ્લા દિવસે આખરે દ્રવિડે કરી ટીમ ઇન્ડિયાના કોચ માટે અરજી

27 October, 2021 03:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રીની જગ્યાએ નવા કોચ તરીકે દેશી-વિદેશી અનેક દાવેદારોમાં રાહુલ દ્રવિડનું નામ સૌથી આગળ હતું

રાહુલ દ્રવિડ

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના હેડ રાહુલ દ્રવિડે આખરે ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે અપ્લાય કરી છે. હાલમાં ચાલી રહેલા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. શાસ્ત્રીની જગ્યાએ નવા કોચ તરીકે દેશી-વિદેશી અનેક દાવેદારોમાં રાહુલ દ્રવિડનું નામ સૌથી આગળ હતું અને તેણે આ જ કારણસર તાજેતરમાં ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાત દરમ્યાન નક્કી થઈ ગયું હતું કે દ્રવિડ ભારતીય ટીમનો હેડ કોચ બની રહ્યો છે અને બન્નેએ પ્રોટોકોલ પ્રમાણે તેને ઑફિશ્યલ આ પદ માટે અપ્લાય કરવાનું કહ્યું હતું. દ્રવિડે આખરે ગઈ કાલે ડેડલાઇનના છેલ્લા દિવસે સમય સમાપ્ત થવાના થોડા કલાક પહેલાં અપ્લાય કરી હતી. આમ હવે શાસ્ત્રીના યુગની સમાપ્તિ બાદ ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી સિરીઝ સાથે ટીમ ઇન્ડિયાના એક નવા દ્રવિડયુગની શરૂઆત થશે અને મોટા ભાગે નવા ટી૨૦ના કૅપ્ટન રોહિત શર્મા સાથે.

મ્હામ્બ્રે અને અભય શર્માની એન્ટ્રી

શાસ્ત્રીની સાથે જ બોલિંગ-કોચ ભરત અરુણ તેમ જ ફીલ્ડિંગ-કોચ શ્રીધરની વિદાયનો પણ તખ્તો ગોઠવાઈ ગયો છે. બૅટિંગ-કોચ વિક્રમ રાઠોરને કદાચ જાળવી રખાશે. બોલિંગ-કોચ માટે પારસ મ્હામ્બ્રે તેમ જ ફીલ્ડિંગ-કોચ કાટે અભય શર્માએ અરજી કરી છે. ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે ‘હા, આજે ડેડલાઇનના છેલ્લા દિવસે રાહુલ દ્રવિડે ઑફિશ્યલી અપ્લાય કરી છે. નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીની તેની ટીમના સભ્યો પારસ મ્હામ્બ્રે (બોલિંગ-કોચ) અને અભય શર્મા (ફીલ્ડિંગ-કોચ) આ પહેલાં જ અપ્લાય કરી ચૂક્યા છે. આ બધી દાવેદારી પાક્કી જ છે, આ અરજી તો ફક્ત ફૉર્માલિટી હતી.’

ફીલ્ડિંગ-કોચ તરીકે અભય શર્મા ઉપરાંત ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રાએ પણ અરજી કરી છે. ૩૯ વર્ષનો રાત્રા ભારતીય ટીમ વતી ૬ ટેસ્ટ, ૧૨ વન-ડે રમ્યો હતો.

લક્ષ્મણ લેશે દ્રવિડનું સ્થાન?

દ્રવિડ ભારતીય ટીમ સાથે જોડાઈ રહ્યો હોવાથી હવે બૅન્ગલોર સ્થિત નૅશનલ ક્રિકેડ ઍકૅડેમીના અધ્યક્ષ તરીકે ફરી વીવીએસ લક્ષ્મણનું નામ ચર્ચાવા લાગ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર જો લક્ષ્મણ આ પદનો સ્વીકાર કરશે તો તેણે આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટરનું પદ છોડવું પડશે તેમ જ કૉમેન્ટરી અને વિવિધ અખબારોની તેની કૉલમ પણ બંધ કરવી પડશે.

જોકે લક્ષ્મણ હૈદરાબાદ રહેતો હોવાથી તેનાં બાળકો, પત્ની અને મા-બાપને છોડીને બૅન્ગલોર જવા માટે તે અચકાઈ રહ્યો છે. વર્ષ દરમ્યાન આશરે ૨૦૦ દિવસ લક્ષ્મણે બૅન્ગલોર રહેવું પડશે એથી તેણે પહેલાં એ ઑફર ઠુકરાવી દીધી હતી, પણ દ્રવિડ સાથે તેના ગાડ સંબંધોને લીધે ક્રિકેટ બોર્ડ તેને જ આ જવાબદારી સોંપવા માગતી હોવાથી તેઓ ફરી એક વાર લક્ષ્મણને સમજાવવાનો પ્રયાસ કરશે.

જો લક્ષ્મણ ન માન્યો તો ક્રિકેટ બોર્ડ બીજા વિકલ્પ તરીકે અનિલ કુંબલેને આ જવાબદારી સોંપી શકે છે.

sports sports news cricket news rahul dravid