25 April, 2025 11:20 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન સુપર લીગની ટ્રોફી સાથે દરેક ટીમના કૅપ્ટન્સ.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય લાઇવ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફૅનકોડ પ્લૅટફૉર્મ હવે ભારતમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025માં બાકી રહેલી કોઈ પણ મૅચનું પ્રસારણ કરશે નહીં. ફૅનકોડ ભારતમાં PSL મૅચો માટે એકમાત્ર સત્તાવાર સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ હતું.
આ પ્લૅટફૉર્મે પાકિસ્તાન પ્રીમિયર T20 ટુર્નામેન્ટની પ્રથમ ૧૩ મૅચો પ્રસારિત કરી હતી. તેમણે સીઝનમાં આગામી PSL મૅચ વિશેની બધી માહિતી અને સીઝનમાં અગાઉની રમતોની ક્લિપ્સ પણ દૂર કરી દીધી છે. અન્ય સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ સોની લિવ ઍપ અને ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ ડ્રીમ-ઇલેવન પરથી પણ પાકિસ્તાનની આ લીગની તમામ સામગ્રી હટાવી દેવામાં આવી છે.
આ પગલાથી આ ટુર્નામેન્ટની વ્યુઅરશિપ પર મોટી અસર થશે. મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં ફૅન્સની ઓછી હાજરીને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પહેલાંથી જ ચિંતિત છે. અહેવાલ અનુસાર બન્ને દેશ વચ્ચેના તનાવને જોતાં પાકિસ્તાનમાં આ લીગ દરમ્યાન પ્રોડક્શન અને બ્રૉડકાસ્ટિંગ ક્રૂમાં કામ કરી રહેલા બે ડઝનથી વધુ ભારતીય નાગરિકોને બદલવામાં આવી શકે છે.