રોશન મહાનામાએ પેટ્રોલ પમ્પ પાસે ચા-બન પાંઉ સર્વ કર્યાં

20 June, 2022 01:21 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

શ્રીલંકામાં ભયંકર આર્થિક કટોકટી ચાલે છે અને લોકોમાં ખાદ્ય પદાર્થ, દવા, કુકિંગ ગૅસ, પેટ્રોલ-ડીઝલ, ટૉઇલેટ પેપર વગેરે ચીજોની ભારે તંગી છે

રોશન મહાનામા

શ્રીલંકામાં ભયંકર આર્થિક કટોકટી ચાલે છે અને લોકોમાં ખાદ્ય પદાર્થ, દવા, કુકિંગ ગૅસ, પેટ્રોલ-ડીઝલ, ટૉઇલેટ પેપર વગેરે ચીજોની ભારે તંગી છે અને આ આપત્તિમાં એકમેકને મદદરૂપ થવાનો શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ૫૬ વર્ષના રોશન મહાનામાએ દેશની પ્રજાને અનુરોધ કર્યો છે. ખુદ મહાનામા તાજેતરમાં કોલંબોના વૉર્ડ પ્લેસ વિસ્તારમાં તેમ જ વિજેરામા મેવાથા ક્ષેત્રના એક વિસ્તારમાં પેટ્રોલ પમ્પની બહાર લાંબી લાઇન લગાવીને ઊભેલા લોકોને ચા અને બન પાંઉ સર્વ કરતો જોવા મળ્યો હતો.

શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલનો સ્ટૉક થોડા દિવસમાં ખતમ થઈ જવાનો હોવાથી લોકો ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોવાથી તેમના સુધી ચા અને બન પાંઉ પહોંચાડ્યા પછી ૧૯૯૬ વન-ડે વર્લ્ડ કપની ચૅમ્પિયન શ્રીલંકન ટીમના બૅટર મહાનામાએ ટ્વીટમાં દેશવાસીઓને અપીલ કરતાં લખ્યું, ‘આપણે બધાએ કઠિન સમયમાં તકલીફ દૂર કરવા એકમેકના પડખે ઊભા રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે કે બીજા કોઈક કારણસર મદદ સાથે લોકો સુધી ન પહોંચી શકે તો ૧૯૯૦ નંબર પર કૉલ કરીને વિગતો આપવી જોઈએ.’

"શ્રીલંકાની પ્રજાને લાખો ડૉલરની આર્થિક મદદ કરવાની સંયુક્ત રાષ્ટ્રએ જે અપીલ કરી છે એમાં સહભાગી થવાની મેં મારા કેટલાક મિત્રોને અપીલ કરી છે. શ્રીલંકાને સહાય કરવામાં ઑસ્ટ્રેલિયા પણ આગળ આવ્યું છે એ બદલ હું ગર્વ અનુભવું છું. જેમ સિક્સરમાં બૉલને ઊંચે દૂર મોકલી દેવામાં આવે એમ આપણા બધાની મદદથી શ્રીલંકા વર્તમાન કટોકટીને દૂર ફગાવી દેશે." : સ્ટીવ સ્મિથ, શ્રીલંકાના પ્રવાસે આવેલો ઑસ્ટ્રેલિયન બૅટર

sports sports news sri lanka