21 July, 2025 07:03 AM IST | Birmingham | Gujarati Mid-day Online Correspondent
હરભજન સિંહ હૉટેલમાં ગયો હોવાના વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ટૅસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડમાં છે, આ સાથે કેટલા ભુતપૂર્વ ક્રિકેટરો પણ ઇંગ્લૅન્ડ પહોંચ્યા છે. આ બધા વચ્ચે ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લઈને તેની ટીકા કરવામાં આવી રહી છે. કારણ કે તેના પર આરોપ કરવામાં આવ્યો છે કે તે બર્મિંગહામાં આવેલી ‘લાલ કિલ્લા’ નામની એક પાકિસ્તાનની હૉટેલમાં ગયો હતો. આ ઘટનાની તસવીર અને વીડિયો સામે આવ્યા છે, જોકે તેની તારીખ કે તેની પ્રમાણિકતા હજી સુધી જાણી શકાઈ નથી.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ બર્મિંગહામના ‘લાલ કિલ્લા’ નામના રેસ્ટોરન્ટમાં ગયાનો એક કથિત વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ હૉટેલ પાકિસ્તાની રેસ્ટોરન્ટ હોવાનું સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરે છે. એવા અનેક અહેવાલો બહાર આવ્યા કે પહલગામ હુમલાને પગલે હરભજન સિંહે પાકિસ્તાન સાથે મૅચ રમવાનો બહિષ્કાર કર્યો હતો. મૅચ પર ચાલી રહેલા તણાવ અને મતભેદોને કારણે આખરે મૅચ રદ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં અનુભવી ઓફ-સ્પિનરના વીડિયોને કારણે યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓનો આવવાનું શરૂ થયું છે. જોકે આ અંગે હજી સુધી હરભજન સિંહ દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
WCL સિરીઝના ભાગ રૂપે યોજાનારી ભારત-પાકિસ્તાન મૅચ ખેલાડીઓ અને પ્રાયોજકોના વધતા દબાણને કારણે અચાનક રદ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના આયોજકોએ બાદમાં જાહેર માફી માગી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમનો હેતુ ચાહકો માટે ખુશ યાદો ફરીથી બનાવવાનો હતો, પરંતુ સ્વીકાર્યું હતું કે મેચે ભારતીય ક્રિકેટ દિગ્ગજોને અજાણતાં અસ્વસ્થતા પહોંચાડી હતી.
યુવરાજ સિંહની આગેવાની હેઠળ ઇન્ડિયા ચૅમ્પિયન્સમાં શિખર ધવન, હરભજન સિંહ, સુરેશ રૈના, યુસુફ અને ઇરફાન પઠાણ, રોબિન ઉથપ્પા અને વરુણ ઍરોન જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થતો હતો. ધવન સહિત ઘણા ખેલાડીઓએ વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ટાંકીને જાહેરમાં મૅચથી પોતાને દૂર રાખ્યા હતા. શિખર ધવને સોશિયલ મીડિયા પર પોતાનું વલણ ફરીથી સ્પષ્ટ કર્યું, એક નિવેદન પોસ્ટ કર્યું જેમાં લખ્યું હતું: “જો કદમ ૧૧ મે કો લિયા, ઉસપે આજ ભી વૈસે હી ખડા હું. મેરા દેશ મેરે લિયે સબ કુછ હૈ, ઔર દેશ સે બધકર કુછ નહીં હોતા.”
શાહિદ આફ્રિદીની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમમાં યુનિસ ખાન, સોહેલ તનવીર, વહાબ રિયાઝ અને કામરાન અકમલ જેવા પરિચિત ચહેરાઓનો સમાવેશ થતો હતો. જોકે, મુખ્ય ભારતીય ખેલાડીઓએ ટીમ છોડી દેવાનું શરૂ કર્યા પછી અને EaseMyTrip જેવા પ્રાયોજકોએ જાહેરાત કરી કે તેઓ પાકિસ્તાન સાથે જોડાયેલી કોઈપણ મૅચને સમર્થન નહીં આપે તે પછી મૅચ રદ કરવી અનિવાર્ય માનવામાં આવી.