રહાણે શાંત સ્વભાવનો છે એનો અર્થ એ નથી કે તે આક્રમક નથી: સચિન

25 December, 2020 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રહાણે શાંત સ્વભાવનો છે એનો અર્થ એ નથી કે તે આક્રમક નથી: સચિન

ઇન્ડિયન ક્રિકેટ ટીમ આવતી કાલથી મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મૅચ રમશે. અનેક ફેરફાર સાથે ટીમ ઇન્ડિયા અજિંક્ય રહાણેની કપ્તાનીમાં કમબૅક કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. એવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં રહાણેની કપ્તાનીથી માંડીને રોહિત શર્માની ઑસ્ટ્રેલિયા ટૂર દરમ્યાનની ગેરહાજરી જેવા અનેક મુદ્દાઓ પર પોતાના મત આપ્યા હતા.

ઇન્ડિયન ટીમને સલાહ

ટીમ ઇન્ડિયાને બીજી ટેસ્ટ મૅચ પહેલાં સલાહ આપતાં તેન્ડુલકરે કહ્યું કે ‘સ્વાભાવિક છે કે જે પ્રમાણે ટીમ પહેલી ટેસ્ટ મૅચમાં હારી એનાથી નિરાશ થઈ જવાય અને એવા પરાજય લઈને આગળ વધવું એથી પણ વધારે મુશ્કેલ હોય છે. હું ફક્ત એટલું જ કહીશ કે આ પ્રકારની નિરાશાથી બહાર નીકળવા પોતાની વિચારધારા બદલવી જરૂરી છે અને આગામી મૅચમાં સારું પ્રદર્શન કરવું જરૂરી છે. જ્યાં સુધી રણનીતિની વાત છે તો ઇન્ડિયાએ પોતાની રણનીતિ સિમ્પલ રાખવી જોઈશે. વધારે રન કરો અને વિરોધી ટીમને વધારે રન કરતા અટકાવો.

રહાણે શાંત, પણ આક્રમક

વિરાટ કોહલીની ગેરહાજરીમાં શાંત સ્વભાવનો અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવાનો છે. મુંબઈકર રહાણે વિશે સચિને કહ્યું કે ‘રહાણેએ પહેલાં પણ ટીમની કમાન સંભાળી છે. તે શાંત સ્વભાવનો છે એનો અર્થ એ નથી કે તે આક્રમક નથી. દરેક વ્યક્તિની આક્રમકતા બતાવવાની રીત અલગ હોય છે. પુજારા પણ શાંત સ્વભાવનો છે. રહાણેની શૈલી અને રણનીતિ અલગ છે. પિચ કેવી છે, બૅટ્સમૅન અને બોલર્સ કોણ છે એવી દરેક બાબત પર રણનીતિ આધારિત હોય છે.’

રોહિતના મામલે કમ્યુનિકેશન-ગૅપ

આઇપીએલ દરમ્યાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો જેને લીધે સીધો ઑસ્ટ્રેલિયા જવાને બદલે તે ભારત આવી ગયો હતો. રોહિત કેમ ગેરહાજર છે એ વાતની જાણ કૅપ્ટન વિરાટ કોહલીને પણ ન હોવાથી વિવાદ સર્જાયો હતો. આ સંદર્ભે સચિને કહ્યું કે ‘હું આ બાબતમાં સામેલ નહોતો એટલે મને કાંઈ ખબર નથી. ઘણી બધી વાતચીત સાંભળવા મળતી હતી જેથી એવું લાગતું હતું કે ક્યાંક કમ્યુનિકેશન-ગૅપ રહ્યો હશે. રોહિત હવે ઑસ્ટ્રેલિયા પહોંચી ગ.યો છે અને જો છેલ્લી બે ટેસ્ટ માટે તે ફિટ હોય તો તેને રમાડવો જોઈએ.

sports sports news cricket news sachin tendulkar