વર્લ્ડ કપ ફાઇનલમાં એક સમયે લાગ્યું હતું કે અમે હારી જઈશું : ઓઇન મૉર્ગન

15 July, 2020 01:28 PM IST  |  London | Agencies

વર્લ્ડ કપ ફાઇનલમાં એક સમયે લાગ્યું હતું કે અમે હારી જઈશું : ઓઇન મૉર્ગન

ઓઇન મૉર્ગન

વર્લ્ડ કપ ૨૦૧૯માં ઇંગ્લૅન્ડ ન્યુ ઝીલૅન્ડને પરાસ્ત કરીને વર્લ્ડ કપ જીત્યું હતું. ફાઇનલ મૅચમાં કઈ ટીમ બાજી મારી જશે એ નક્કી કરવું છેલ્લા બૉલ સુધી અઘરું થઈ પડ્યું હતું અને છેવટે બાઉન્ડરી કાઉન્ટના નિયમ અનુસાર ઇંગ્લૅન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. તેને આ મુકાબલામાં ન્યુ ઝીલૅન્ડ પાસેથી જબરદસ્ત ટક્કર પણ મળી હતી જેને લીધે ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનને એક સમયે લાગ્યું હતું કે અમે મૅચ અને વર્લ્ડ કપ હારી જઈશું. ફાઇનલ મૅચની એ સમયની લાગણી વ્યક્ત કરતાં મૉર્ગને કહ્યું કે ‘એ સમયે મારા મનમાં એક જ ડાઉટ હતો અને કદાચ એ ડાઉટ મને બીજી વાર આવ્યો હતો. જિમી નીશામ બેન સ્ટોક્સને બોલિંગ નાખી રહ્યો હતો. નીશામ એ વખતે સ્લો બૉલ નાખી રહ્યો હતો અને સ્ટોક્સે હવામાં બૉલ ફટકાર્યો હતો. મારો શ્વાસ એ સમયે અધ્ધર થઈ ગયો હતો. મને લાગ્યું કે સ્ટોક્સ પણ આઉટ થઈ ગયો, કેમ કે બૉલ જોઈએ એટલો ઊંચો નહોતો ગયો. અમને એક ઓવરમાં ૧૫ રન જોઈતા હતા. મને ત્યારે લાગ્યું કે અમે હારી જવાના છીએ.’

સ્ટોક્સે હવામાં મારેલો એ બૉલ બૉલ્ટે કૅચ કર્યો હતો, પણ તેનો પગ બાઉન્ડરીલાઇનને અડી જતાં અમ્પાયરે સિક્સરનો ઇશારો કર્યો હતો જેને લીધે મૅચ સુપરઓવરમાં પહોંચી હતી.

england new zealand Eoin Morgan cricket news sports news