એમ્મા લૅમ્બ અને જયસૂર્યાને અવૉર્ડ

09 August, 2022 03:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માત્ર ૭ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર લૅમ્બ સાઉથ આફ્રિકા સામેની તાજેતરની વન-ડે સિરીઝની સ્ટાર-પ્લેયર હતી

એમ્મા લૅમ્બ અને જયસૂર્યા

એમ્મા લૅમ્બ અને જયસૂર્યાને અવૉર્ડ

આઇસીસીએ મહિલાઓમાં પ્લેયર ઑફ મન્થના અવૉર્ડ માટે ઇંગ્લૅન્ડની ઊભરતી ઑલરાઉન્ડર એમ્મા લૅમ્બને સિલેક્ટ કરી છે. માત્ર ૭ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર લૅમ્બ સાઉથ આફ્રિકા સામેની તાજેતરની વન-ડે સિરીઝની સ્ટાર-પ્લેયર હતી. પુરુષોમાં શ્રીલંકાના લેફ્ટ-આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યાને પ્લેયર ઑફ ધ મન્થનો પુરસ્કાર અપાયો છે. તેણે તાજેતરમાં ગૉલમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ૧૧૮માં ૬ અને ૫૯માં ૬ વિકેટ લઈને શ્રીલંકાને સિરીઝ ૧-૧થી લેવલ કરી આપી હતી.

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં નવા ફેરફાર

બીસીસીઆઇએ ગઈ કાલે ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાં ફેરફાર જાહેર કર્યા હતા. હવે તમામ ૩૮ ટીમ એક રણજી ટ્રોફી માટે નહીં રમે. ૨૦૨૨-’૨૩ની સીઝનથી એલીટ અને પ્લૅટ એમ બે કૅટેગરીમાં રણજી ટ્રોફી રમાશે. એલીટ વર્ગમાં ૩૨ ટીમો ટકરાશે. પ્લૅટ કૅટેગરીમાં ૬ ટીમ સ્પર્ધામાં ઊતરશે. બે ફાઇનલિસ્ટ ટીમને ૨૦૨૩-’૨૪ની સીઝન માટેના એલીટ ગ્રુપમાં પ્રમોટ કરાશે. ૮ સપ્ટેમ્બરે દુલીપ ટ્રોફી જૂની ઝોનલ પદ્ધતિ મુજબ ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થવાની સાથે ડોમેસ્ટિક સીઝનનો આરંભ થશે. ઈરાની કપ ફરી રમાશે, એમાં ૨૦૨૧-’૨૨ના રણજી ચૅમ્પિયન મધ્ય પ્રદેશ અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે મુકાબલો થશે. હવેથી છોકરીઓ માટેની અન્ડર-16 સ્પર્ધા પણ યોજાશે જેથી ભારત મહિલાઓની કૉમનવેલ્થ ટી૨૦ના સિલ્વર મેડલ જેવી અને એનાથી પણ વધુ સારી અને અપ્રતિમ સિદ્ધિ ભવિષ્યમાં મેળવતી રહે.

ફિડેના ઝોનલ પ્રેસિડન્ટ તરીકે અજય પટેલની વરણી

અજય પટેલ

તામિલનાડુના ચેસ ઑલિમ્પિયાડ દરમ્યાન ચેસ જગતની સર્વોચ્ચ સંસ્થા ફિડેની ચૂંટણીમાં ઝોન ૩.૧.૭ના પ્રમુખ તરીકે ગુજરાત સ્ટેટ ચેસ અસોસિએશનના અજય પટેલની બિનહરીફ વરણી થઈ હતી. ફિડે પ્રમુખ અર્કાડી દ્વારકોવિચની ટીમનો ચૂંટણીમાં વિજય થયો હતો અને વિશ્વનાથન આનંદ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

sports news sports cricket news chess