બેમિસાલ બ્રૉડ

27 July, 2020 03:25 PM IST  |  Mumbai Desk | Agencies

બેમિસાલ બ્રૉડ

બેમિસાલ બ્રૉડ

ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડ વેસ્ટ ઇન્ડીઝ પર ભારે પડ્યું હતું અને તેમણે જીત તરફ આગેકૂચ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસે ૬ વિકેટે ૧૩૭ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને પોતાના સ્કોરમાં માત્ર ૬૦ રન ઉમેરીને પૅવિલિયન ભેગું થઈ ગયું હતું. જેસન હોલ્ડર અને શેન ડોવરીચ વચ્ચે સાતમી વિકેટ માટે ૬૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે તેમની છેલ્લી ચાર વિકેટ માત્ર ૧૯ રનમાં પઢી ગઈ હતી અને એ ચારેય વિકેટ સ્ટુઅર્ટ બ્રૉડે લીધી હતી. બ્રૉડે ૬ વિકેટ લઈને મૅચમાં તરખાટ મચાવી દીધો હતો જેને કારણે ઇંગ્લૅન્ડનું પલડું ભારે થઈ ગયું હતું. સ્ટુઅર્ટ બ્રૉડે ૧૪ ઓવરમાં ૩૧ રન આપીને ૬ વિકેટ લીધી હતી અને ૪ મેઇડન ઓવર નાખી હતી. જેમ્સ ઍન્ડરસન બે જ્યારે જોફ્રા આર્ચર અને ક્રિસ વૉક્સ એક-એક વિકેટ મેળવી શક્યા હતા. ૧૭૨ રનની લીડ લઈને ઇંગ્લૅન્ડ ટીમ બીજી ઇનિંગ રમવા ઊતરી હતી અને લંચ-ટાઇમ સુધીમાં તેમણે વગર વિકેટે દસ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના બોલરો સામે મહેમાન ટીમનો કોઈ પણ પ્લેયર હાફ સેન્ચુરી કરી શક્યો નહોતો. કૅપ્ટન જેસન હોલ્ડર સૌથી વધારે ૪૬ રન કરીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડના ઓપનરોએ સારી શરૂઆત આપીને મહેમાન ટીમ પર ૩૧૫ રનથી વધારાની લીડ બનાવી દીધી હતી.
સ્ટુઅર્ટ બ્રૉડે ટેસ્ટ ક્રિકેટ કરીયરમાં ૧૮મી વાર, વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી વાર અને મૅન્ચેસ્ટરમાં બીજી વાર એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટ ફૉર્મેટમાં બ્રૉડે લીધેલી કુલ વિકેટની સંખ્યા હવે ૪૯૭ થઈ ગઈ છે અને ૫૦૦ ટેસ્ટ-વિકેટથી તે માત્ર ત્રણ વિકેટ દૂર છે.

sports sports news cricket news