વિમેન્સ T20 વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર કરીને યજમાન ઇંગ્લૅન્ડે શ્રીલંકા સામે વિજયી પ્રારંભ કર્યો

14 June, 2026 03:14 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ડૅની વાયટ-હૉજની સેન્ચુરીને આધારે અંગ્રેજ ટીમે ૨૧૯/૧નો સ્કોર કર્યો, શ્રીલંકા ૧૩૨ રને ઢેર થઈને ૮૭ રને હાર્યું

ગઈ કાલે ૬૨ બૉલમાં અણનમ ૧૦૫ રન ફટકારીને ડૅની વાયટ-હૉજ બની પ્લેયર ઑફ ધ મૅચ.

વિમેન્સ T2O વર્લ્ડ કપ 2026ની પહેલી મૅચમાં શ્રીલંકા સામે ૮૭ રનની જીત સાથે યજમાન ઇંગ્લૅન્ડ ટીમે વિજયી પ્રારંભ કર્યો છે. અંગ્રેજ ટીમે ઓપનર ડૅની વાયટ-હૉજની સેન્ચુરીની મદદથી માત્ર એક વિકેટ ગુમાવીને ૨૧૯ રન કર્યા હતા. જવાબમાં શ્રીલંકા ૨૦ ઓવરમાં ૧૩૨ રને ઑલઆઉટ થઈને વિમેન્સ T2O વર્લ્ડ કપમાં આ હરીફ સામે સતત ચોથી મૅચ હાર્યું હતું. 
૨૧૯ રનનો સ્કોર એ વિમેન્સ T2O વર્લ્ડ કપનો સૌથી મોટો ટીમ-સ્કોર બન્યો હતો. ઇંગ્લૅન્ડે પોતાનો જ સૌથી મોટા સ્કોરનો રેકૉર્ડ તોડ્યો હતો. અગાઉ આ ટીમે છેલ્લા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ૨૧૩/૫નો મોટો સ્કોર કર્યો હતો. 

ઓપનર ડૅની વાયટ-હૉજે ૧૩ ફોર અને એક સિક્સની મદદથી ૬૨ બૉલમાં અણનમ ૧૦૫ રન કર્યા હતા. તેની સાથી ઓપનર ઍમી જોન્સે ૩૮ બૉલમાં ૫૩ રન અને કૅપ્ટન નેટ સિવર-બ્રન્ટે બાવીસ બૉલમાં અણનમ ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. 

૨૩ દિવસ પહેલાં જન્મેલી દીકરીને સમર્પિત કરી સેન્ચુરી

ડૅની વાયટ-હૉજની સમલૈગિંક પાર્ટનર અને ફુટબૉલ એજન્ટ જૉર્જી હૉજે ૨૦ મેના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. ડૅની વાયટ-હૉજે બેબી રમાડવાનો સંકેત કરીને પોતાની સેન્ચુરી દીકરીને સમર્પિત કરી હતી. બન્નેએ વર્ષ ૨૦૨૪ની ૧૦ જૂને લગ્ન કર્યાં હતાં. વિમેન્સ T2O વર્લ્ડ કપમાં આ સાતમી સેન્ચુરી હતી અને અંગ્રેજ ટીમ દ્વારા ફટકરવામાં આવેલી બીજી સદી હતી.

england t20 world cup sri lanka sports news sports cricket news