ઇંગ્લૅન્ડને હેલ્સ-હૅરીની જોડીએ પાકિસ્તાન સામે અપાવી જીત

22 September, 2022 02:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફાસ્ટ બોલર લ્યુક વૂડ ડેબ્યુમાં બની ગયો મૅન ઑફ ધ મૅચ

ઇંગ્લૅન્ડને હેલ્સ-હૅરીની જોડીએ પાકિસ્તાન સામે અપાવી જીત

મંગળવારે પાકિસ્તાનમાં ઇંગ્લૅન્ડે ૧૭ વર્ષે રમેલી પહેલી જ ક્રિકેટ-મૅચ આસાનીથી જીતી લીધી હતી. સાત મૅચની ટી૨૦ સિરીઝની કરાચી ખાતેની પ્રથમ મૅચમાં મોઇન અલીની ટીમે ૪ બૉલ બાકી રાખીને ૬ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને બૅટિંગ મળ્યા પછી ૭ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લૅન્ડે ૧૯.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૬૦ રન બનાવીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી.

૨૭ વર્ષનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર લ્યુક વૂડ (૪-૦-૨૪-૩) પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો અને એમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. તેણે ઇફ્તિખાર અહમદ (૨૮), મોહમ્મદ નવાઝ (૪) અને નસીમ શાહ (૦)ની વિકેટ લીધી હતી.

હેલ્સ ત્રણ વર્ષે રમ્યો

ઓપનર ઍલેક્સ હેલ્સ (૫૩ રન, ૪૦ બૉલ, સાત ફોર) આ પહેલાં ૨૦૧૯માં રમ્યો હતો. તેણે કમબૅકને સફળ બનાવ્યું હતું. તેની અને પાંચમી ટી૨૦ રમનાર હૅરી બ્રુક (૪૨ અણનમ, પચીસ બૉલ, સાત ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાની બોલર્સમાં ઉસ્માન કાદિરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. નસીમ શાહ, નવાઝને વિકેટ નહોતી મળી.

રિઝવાન આઉટ, પાકિસ્તાન ફ્લૉપ

એશિયા કપ પછી હવે ઇંગ્લૅન્ડ સામે પણ ઓપનર મોહમ્મદ રિઝવાન (૬૮ રન, ૪૨ બૉલ, બે સિક્સર, છ ફોર) સારા ફૉર્મમાં છે, પરંતુ ટીમનો હજીયે તેના પર જ આધાર રહ્યો છે. મંગળવારે તેની અને કૅપ્ટન બાબર આઝમ (૩૧ રન, ૨૪ બૉલ, ત્રણ ફોર) વચ્ચે ૮૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ બાબરની ૮૫ રને વિકેટ પડ્યા પછી ૧૦૯મા રને હૈદર અલી (૧૧ રન)ની વિકેટ બાદ ૧૧૭મા રને રિઝવાન આઉટ થયા પછી પાકિસ્તાનની ટીમ પાછી બેઠી નહોતી થઈ શકી અને ઇંગ્લૅન્ડને માત્ર ૧૫૯ રનનો લક્ષ્યાંક આપી શકી હતી. બ્રિટિશ બોલર્સમાં વૂડ ઉપરાંત આદિલ રાશીદ (૪-૦-૨૭-૨) પણ સફળ બોલર હતો.

sports sports news cricket news t20 international