29 June, 2026 11:57 AM IST | Nottingham | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડ માટે ડૅરિલ મિચલે ૨૪૧ બૉલમાં ૧૦૦ રન કરીને વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો
ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં આજે ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની નિર્ણાયક દિવસની રમત જોવા મળશે. ૧-૧ થી લેવલ થયેલી આ સિરીઝમાં મૅચ સહિત સિરીઝ જીતવા માટે ન્યુ ઝીલૅન્ડે ૩૭૩ રનનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડ સામે મૂક્યો છે.પહેલી ઇનિંગ્સમાં ૪૩૮ રન કરનાર કિવી ટીમે ગઈ કાલે ચોથા દિવસે ૯૪ ઓવરમાં ૨૮૮/૯ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૩૫૪ રન કર્યા હતા.
ચોથા દિવસે કિવી ટીમે ૩૬મી ઓવરમાં ૧૨૦-૩ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સે આગળ વધારી હતી.રચિન રવીન્દ્રએ ૧૪૯ બૉલમાં ૯૪ રન કર્યા હતા જ્યારે ડૅરિલ મિચલ ૨૪૧ બૉલમાં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો હતો. બીજી ઇનિંગ્સ જોફ્રા આર્ચરે ૨૦ ઓવરમાં ૫૩ રન આપીને ચાર વિકેટ લીધી હતી. કૅપ્ટન બેન સ્ટોક્સે પચીસ ઓવરમાં ૯૪ રન આપીને બે વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે ગઈ કાલે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના માધ્યમથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આજે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ૩૫ વર્ષનો બેન સ્ટોક્સ અંગ્રેજ ટીમ માટે છેલ્લી વખત ઇન્ટરનૅશનલ રમતો જોવા મળશે.
લંડનની નાઇટક્લબમાં ટીમના કફ્યુના ઉલ્લંઘનને લગતા વિવાદમાં ફસાયાના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદને કારણે તેને બીજી ટેસ્ટ-મૅચમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો અને ત્રીજી ટેસ્ટ-મૅચ માટે ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.