ઇંગ્લૅન્ડનો અનોખો વિક્રમ : સતત ત્રણ ૨૭૫+ ટાર્ગેટ ચેઝ કરીને ૩-૦થી ક્લીન સ્વીપ

28 June, 2022 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ચૅમ્પિયનને ચત્તુંપાટ કરી દીધુંઃ ટીમ ઇન્ડિયાની છાવણીમાં ‘રેડ અલર્ટ’

લીડ્સમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડની ચૅમ્પિયન ટીમ અને સ્ટેડિયમની બહાર બ્રિટિશ બૅટર જૉની બેરસ્ટૉના ત્રીજી ટેસ્ટના બન્ને દાવના સ્કોર (૧૬૨ અને ૭૧)ને રંગથી ચમકાવી રહેલો તેનો ચાહક. એ.પી./એ.એફ.પી.

વર્લ્ડ ચૅમ્પિયનને ચત્તુંપાટ કરી દીધુંઃ ટીમ ઇન્ડિયાની છાવણીમાં ‘રેડ અલર્ટ’ ઇંગ્લૅન્ડે ગઈ કાલે લીડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે શ્રેણીના આખરી દિને ૨૯૬ રનનો લક્ષ્યાંક ત્રણ વિકેટના ભોગે મેળવીને સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. ઉપરાઉપરી ત્રણ ટેસ્ટમાં ૨૭૫-પ્લસનો લક્ષ્યાંક હાંસલ કરવાની સાથે અનોખા વિક્રમને ટેસ્ટના ઇતિહાસમાં અંકિત કરી દેતા પર્ફોર્મન્સમાં બેન સ્ટોક્સની ટીમે ટ્રેન્ટ બ્રિજની બીજી ટેસ્ટમાં ૨૯૯નો લક્ષ્યાંક પાંચ વિકેટે અને એ અગાઉ લૉર્ડ્સની પ્રથમ ટેસ્ટમાં ૨૭૭નો ટાર્ગેટ પાંચ વિકેટે મેળવ્યો હતો.
ગઈ કાલે ૨૯૬ રનનો લક્ષ્યાંક મેળવવામાં ઑલી પોપ (૧૦૮ બૉલમાં ૮૨), જો રૂટ (૧૨૫ બૉલમાં અણનમ ૮૬) અને જૉની બેરસ્ટૉ (૪૪ બૉલમાં ૩ સિક્સર, ૮ ફોરની મદદથી અણનમ ૭૧)નાં સૌથી મોટાં યોગદાન હતાં. શરૂઆતના વરસાદના વિઘ્ન બાદ બ્રિટિશ બૅટર્સે આક્રમક રીતે રમીને અધૂરી ઇનિંગ્સ (૧૮૩/૨) વહેલી પૂરી કરીને જીત મેળવી લીધી હતી. જૅક લીચ (૧૦૦/૫, ૬૬/૫)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ઇંગ્લૅન્ડ હવે શુક્રવારથી બર્મિંગહૅમમાં ભારત સામે એકમાત્ર ટેસ્ટ રમશે. સ્ટોક્સની ટીમે કિવીઓનો જે રીતે વાઇટવૉશ કર્યો એ જોતાં ભારતીય ટીમ વધુ સાવચેત થઈ જશે.

2
ગઈ કાલે આટલા મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ અપાયા હતા : ન્યુ ઝીલૅન્ડ વતી મિચલ (કુલ ૫૩૮ રન) અને ઇંગ્લૅન્ડ વતી રૂટ (કુલ ૩૯૬ રન).

sports news cricket news england