શ્રેયસ ઐયરની આગેવાનીમાં સતત છઠ્ઠી T20 હાર સાથે ભારતે ૧૬૦૫ દિવસ પછી નંબર-વન રૅન્કિંગ ગુમાવ્યું

13 July, 2026 12:07 PM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

પાંચમી T20 મૅચમાં ૨૫૮ રનના ટાર્ગેટ સામે ભારત ૨૦૧ રન કરીને ૫૬ રને હાર્યું અને ૦-૪થી સિરીઝ ગુમાવી : એક T20 સિરીઝ કે ટુર્નામેન્ટમાં પહેલી વખત 4 મૅચ હાર્યું ભારત

ભારત સામેની પહેલી T20 સિરીઝ જીતની ટ્રોફી સાથે ઉજવણી કરતી અંગ્રેજ ટીમ

સધમ્પ્ટનમાં ઇંગ્લૅન્ડ સામે પાંચમી T20માં હાર બાદ ૧૬૦૫ દિવસ પછી ભારતે અેનું નંબર વન T20 રૅન્કિંગ ગુમાવ્યું છે. શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતને ૭ મૅચમાં ૬ હારનો સામનો કરવો પડ્યો છે અને એક મૅચ વરસાદને કારણે રદ રહી હતી.

આયરલૅન્ડ સામેની T20 સિરીઝ પહેલાં ભારત ૨૭૫ રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે અને ઇંગ્લૅન્ડ ૨૬૨ પૉઇન્ટ સાથે બીજા ક્રમે હતું. ઇંગ્લૅન્ડ સામેની ચોથી T20 બાદ ભારતના પૉઇન્ટ ૨૬૯ અને ઇંગ્લૅન્ડના પૉઇન્ટ ૨૬૭ થયા હતા. હવે બન્ને ટીમના રેટિંગ પૉઇન્ટ ૨૬૮ છે. જોકે ભારત (૫૮ મૅચ) કરતાં ઓછી મૅચમાં ઇંગ્લૅન્ડે (૩૮  મૅચ)માં આ પ્રદર્શન કર્યું હોવાથી પહેલા ક્રમે પહોંચ્યું છે. 
સધમ્પ્ટનમાં ટૉસ હારીને પહેલી બૅટિંગ કરનાર યજમાન ઇંગ્લૅન્ડની ટીમે ૨૦ ઓવરમાં માત્ર ૩ વિકેટ ગુમાવીને ૨૫૭ રન ઝૂડી દીધા હતા. ભારત સામે ૨૫૦ રન ઝૂડનાર ઇંગ્લૅન્ડ પહેલી T20 ટીમ બની હતી. ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૧ રન કરીને ૫૬ રને આ મૅચ હારીને પાંચ મૅચની સિરીઝ ૦-૪થી ગુમાવી હતી. ભારતે ચોથી વખત અને સતત બીજી વખત T20 સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કર્યો છે.અગાઉ આ ટીમે ભારત સામે મુંબઈમાં વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં ૨૪૬/૭નો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડે ગઈ કાલે ૧૭ સિક્સની મદદથી પોતાનો ત્રીજો સૌથી મોટો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડે ૨૦૨૫માં સાઉથ આફ્રિકા સામે ૩૦૪/૨નો અને ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૬૭/૩નો સ્કોર કર્યો હતો.

જૉસ બટલર અને હૅરી બ્રૂકે ૧૦૩ બૉલમાં કરેલી ૨૩૩ રનની ભાગીદારી T20 ઇન્ટરનૅશનલમાં બીજી સૌથી મોટી ભાગીદારી હતી. ૨૦૧૯માં આયરલૅન્ડ સામે અફઘાનિસ્તાન માટે હઝરતુલ્લાહ ઝાઝરી અને ઉસ્માન ઘાનીએ ૨૩૬ રનની પાર્ટનરશિપ કરી હતી.

જૉસ બટલરે ૨૦૪.૬૯ના સ્ટ્રાઇક-રેટથી ૬૪ બૉલમાં ૧૨ ફોર અને ૮ સિક્સની મદદથી ૧૩૧ રન કરીને દેશ માટે પોતાની બીજી સદી નોંધાવી હતી. ભારત સામે T20માં આ કોઈ પણ બૅટરનો સૌથી મોટો સ્કોર હતો. કૅપ્ટન હૅરી બ્રૂક ૨૧૧.૧૧ના સ્ટ્રાઇક-રેટથી ૪ ફોર અને ૮ સિક્સની મદદથી ૪૫ બૉલમાં અણનમ ૯૫ રન કર્યા હતા. ભારત માટે શિવમ દુબેએ બે અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી.

ભારત માટે ઈશાન કિશને ૩૫ બૉલમાં સાત ફોર અને બે સિક્સની મદદથી ૫૬ રન કર્યા હતા. વાઇસ કૅપ્ટન તિલક વર્માએ પચીસ બૉલમાં ત્રણ ફોર અને ચાર સિક્સના આધારે ૫૩ રન કર્યા હતા. પેસ બોલર સેમ કરૅનને ત્રણ વિકેટ અને સ્પિનર આદિલ રશીદને બે વિકેટ મળી હતી.

જૉસ બટલર આ મૅચમાં ત્રણ કૅચ પડકવા સહિત ૧૩૧ રન બનાવવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

કૅપ્ટન હૅરી બ્રૂક આ સિરીઝમાં ૨૨૯ રન કરીને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.

મેન્સ T20 વર્લ્ડ કપથી હમણાં સુધી ટીમ ઇન્ડિયાએ ૨૪ કૅચ છોડ્યા

ક્રિકેટમાં કેટલીક મૅચોનાં રિઝલ્ટ ડ્રૉપ કૅચને લીધે બદલાઈ જાય છે. ટીમ ઇન્ડિયાનો મેન્સ T20 વર્લ્ડ કપ 2026થી કૅચિંગ અને ફીલ્ડિંગ રેકૉર્ડ બરાબર રહ્યો નથી. મેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે ૧૩ જેટલા કૅચ છોડ્યા હતા. ત્યાર બાદની બન્ને સિરીઝમાં ભારતે ૧૧ કૅચ છોડ્યા એમાંથી છ કૅચ આયરલૅન્ડ અને પાંચ કૅચ ઇંગ્લૅન્ડ સામે છૂટ્યા છે.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ કહે છે કે ‘પરિણામ થોડું આશ્ચર્યજનક અને આઘાતજનક હતું. છેલ્લાં બેથી અઢી વર્ષોમાં ભારતીય ક્રિકેટનું સૌથી ચિંતાજનક પાસું ફીલ્ડિંગ રહ્યું છે પછી ભલે અે પુરુષોની ટીમ હોય, મહિલા ટીમ હોય કે જુનિયર ક્રિકેટ.’ 

england india indian cricket team team india t20 international t20 world t20 cricket news sports sports news