02 June, 2025 10:18 AM IST | London | Gujarati Mid-day Correspondent
ફાસ્ટ બોલર મુકેશ કુમાર ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો
ઇન્ડિયા-A સામેની પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડ લાયન્સ માત્ર ૩૦ રન પાછળ હતા. ઇન્ડિયા-Aએ કરુણ નાયરની ડબલ સેન્ચુરીના આધારે ઑલઆઉટ થઈને ફટકારેલા ૫૫૭ રન સામે ત્રીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડ લાયન્સે ૧૨૪ ઓવર્સમાં સાત વિકેટ ગુમાવીને ૫૨૭ રન ફટકારી દીધા હતા.
ઇંગ્લૅન્ડના ત્રણ બૅટરે સેન્ચુરી ફટકારીને ભારતીય બોલર્સને હેરાન કર્યા.
ઇંગ્લૅન્ડ તરફથી ત્રણ બૅટરોએ સેન્ચુરી ફટકારીને ભારતીય બોલર્સના હાલબેહાલ કર્યા હતા. ભારતે ૮ બોલર્સનો ઉપયોગ કર્યો હોવા છતાં માત્ર ફાસ્ટ બોલર મુકેશ કુમાર (૭૫ રનમાં ત્રણ વિકેટ) પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો હતો. ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર સહિત ચાર બોલર્સને એેક-એક વિકેટ મળી હતી. વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાન અને કરુણ નાયરે પણ એક-એક ઓવર નાખી હતી. સ્પિનર હર્ષ દુબે પચીસ ઓવર્સમાં એક વિકેટ લઈને ૧૨૯ રન આપીને સૌથી મોંઘો સાબિત થયો હતો.