09 June, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
જૉસ બટલર
ભારતીય સમય અનુસાર શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલી ત્રણ મૅચની સિરીઝની પહેલી T20 મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૨૧ રને ઇંગ્લૅન્ડ સામે હારી મળી હતી. ઇંગ્લૅન્ડે ૬ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા, વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૧૮૯ રનના ટાર્ગેટ સામે નવ વિકેટ ગુમાવીને ૧૬૭ રન ફટકારીને હાર સાથે સિરીઝની શરૂઆત કરી હતી. સિરીઝની અંતિમ બે મૅચ આજે ૮ જૂન અને ૧૦ જૂને રમાશે.
ઇંગ્લૅન્ડ માટે ત્રીજા ક્રમે આવીને જૉસ બટલરે ૫૯ બૉલમાં ૬ ફોર અને ચાર સિક્સની મદદથી ૯૬ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. જોકે ૧૯મી ઓવરમાં LBW આઉટ થતાં તે ચાર રનથી પોતાની બીજી T20 ઇન્ટરનૅશનલ સદી ચૂક્યો હતો. આ સાથે તે આ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ તરફથી નર્વસ નાઇન્ટીનો શિકાર થનાર પહેલો વિકેટકીપર-બૅટર બની ગયો છે. સ્પિનર લિયામ ડૉસન (૨૦ રનમાં ચાર વિકેટ) ઇંગ્લૅન્ડ માટે આ ફૉર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.