મલાન-બટલરની પાર્ટનરશિપને લીધે સાઉથ આફ્રિકા ફરી પરાસ્ત

03 December, 2020 02:03 PM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

મલાન-બટલરની પાર્ટનરશિપને લીધે સાઉથ આફ્રિકા ફરી પરાસ્ત

ડેવિડ મલાન અને જોશ બટલર

ઓઇન મૉર્ગનના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાં ૩-૦થી મહાત આપી વાઇટવૉશ કર્યો હતો. આ મૅચમાં ડેવિડ મલાન અને જોશ બટલરે અનુક્રમે નાબાદ ૯૯ અને ૬૭ રન બનાવ્યા હતા. તેમના વચ્ચે થયેલી રેકૉર્ડ પાર્ટનરશિપને લીધે ઇંગ્લૅન્ડે આ મુકાબલો નવ વિકેટે જીતી લીધો હતો.

સાઉથ આફ્રિકાએ ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ૧૯૧ રન બનાવ્યા હતા. શરૂઆતની ત્રણ વિકેટ ટીમે ૬૪ રનમાં ગુમાવી દીધી હતી, પણ વૅન ડેર દુસેન અને ફૅફ ડુપ્લેસીએ અનુક્રમે નાબાદ ૭૪ અને ૫૨ રન બનાવી ૧૯૧ રનનો દમદાર સ્કોર ઊભો કર્યો હતો. બેન સ્ટોક્સે ત્રણ ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાએ આપેલો ૧૯૨ રનનો લક્ષ્યાંક ઇંગ્લૅન્ડની ટીમે ૧૭.૪ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. ટીમે ચોથી ઓવરના ચોથા બૉલ પર જેસન રૉય (૧૬)ની વિકેટ ગુમાવી હતી, જેના બાદ અન્ય ઓપનર જોસ બટલર સાથે મળીને વન ડાઉન આવેલા ડેવિડ મલાને બીજી વિકેટ માટે ૧૬૭ રનની રેકૉર્ડ પાર્ટનરશિપ બનાવી હતી. મલાને જબરદસ્ત ઇનિંગ રમી ૪૭ બૉલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ સિકસર ફટકારી નાબાદ ૯૯ રન બનાવ્યા હતા. જોસ બટલરે પણ ૪૬ બૉલમાં ૩ ચોગ્ગા અને પાંચ સિકસર ફટકારી નાબાદ ૬૭ રન બનાવ્યા હતા. ડેવિડ મલાનને પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

sports sports news cricket news england south africa cape town