દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પંચાવન વર્ષે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનની ટક્કર

06 September, 2026 10:44 AM IST  |  chennai | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં ઈસ્ટ ઝોન છેલ્લે ૨૦૧૨-’૧૩માં રમ્યું હતું અને સાઉથ ઝોન સતત બીજા વર્ષે રમશે

મોહમ્મદ શમી, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી

ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં આજે દુલીપ ટ્રોફી 2026-’27ની ફાઇનલ મૅચ રમાશે. ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન પંચાવન વર્ષ પછી એકબીજા સામે દુલીપ ટ્રોફી ફાઇનલ રમશે. છેલ્લે ૧૯૭૧માં બન્ને વચ્ચે ફાઇનલ જંગ રમાયો હતો જેમાં સાઉથ ઝોને ૧૦ વિકેટે જીત નોંધાવી હતી. ૧૯૬૧–’૬૨થી આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોન સૌથી વધુ ૩૩ ફાઇનલ રમીને સૌથી વધુ ૧૯ વખત ચૅમ્પિયન બન્યું છે. નૉર્થ ઝોન ૨૬ ફાઇનલમાંથી ૧૮, સાઉથ ઝોન ૨૪ ફાઇનલમાંથી ૧૩, સેન્ટ્રલ ઝોન ૧૭ ફાઇનલમાંથી ૭ અને ઈસ્ટ ઝોન ૭ ફાઇનલમાંથી બે મૅચ જીતીને ટાઇટલ જીત્યું છે. ઈસ્ટ ઝોન ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે સેન્ટ્રલ ઝોનને હરાવીને બૅક-ટુ-બૅક આ ટાઇટલ જીત્યું હતું. તેઓ છેલ્લી વખત ત્યારે જ દુલીપ ટ્રોફી ફાઇનલ રમ્યા હતા. સાઉથ ઝોન ૨૦૨૩માં છેલ્લી વખત ચૅમ્પિયન બન્યું હતું અને હવે બૅક-ટુ-બૅક દુલીપ ટ્રોફી ફાઇનલ રમશે. ઈસ્ટ ઝોનમાં ઈશાન કિશન કૅપ્ટન અને વૈભવ સૂર્યવંશી વાઇસ-કૅપ્ટન છે. આ ટીમમાં મોહમ્મદ શમી, મુકેશ કુમાર અને શાહબાઝ અહમદ જેવાં મોટાં નામો રમશે. સાઉથ ઝોનની આગેવાની તિલક વર્મા કરી રહ્યો છે. આ ટીમમાં કરુણ નાયર, શ્રેયસ ગોપાલ, દેવદત્ત પડિક્કલ, મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. 

૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચ પહેલાં મોહમ્મદ શમી સન્માનિત થયો

દુલીપ ટ્રોફી ફાઇનલમાં આજે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચ રમશે. આ મૅચ પહેલાં ગઈ કાલે બંગાળ ક્રિકેટના અધિકારીઓ અને ઈસ્ટ ઝોનના કૅપ્ટન ઈશાન કિશાન અને વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશીએ મોહમ્મદ શમીને સ્મૃતિભેટ અને ૧૦૦ નંબરની જર્સી આપીને સન્માનિત કર્યો હતો. 
બંગાળ વતી રમતા ઉત્તર પ્રદેશના ૩૬ વર્ષના મોહમ્મદ શમીએ હાલમાં પ્રોફેશનલ ક્રિકેટમાં ૯૦૦ વિકેટ પૂરી કરી હતી. ૯૯ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચમાં મોહમ્મદ શમીએ ૩.૨૩ના ઇકૉનૉમી-રેટ સાથે ૩૮૨ વિકેટ લીધી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પછી મોહમ્મદ શમી ભારત માટે રમી શક્યો નથી.

duleep trophy chennai mohammed shami ishan kishan vaibhav sooryavanshi tilak varma devdutt padikkal cricket news sports news sports