વિરાટ ઍન્ડ કંપનીના સ્ટમ્પ-માઇક પરના આક્રોશનો બ્રૉડકાસ્ટરે આપ્યો જવાબ

16 January, 2022 03:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની નિર્ણાયક ટેસ્ટ દરમ્યાન હરીફ સુકાની ડીન એલ્ગર વિરુદ્ધના એલબીડબ્લ્યુના નિર્ણયને ડીઆરએસમાં (થર્ડ અમ્પાયરે) નકારી કાઢ્યો ત્યાર બાદ વિરાટ કોહલીએ સ્ટમ્પ-માઇક પર બળાપો કાઢ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે કેપ ટાઉનમાં ભારતના પરાજય સાથે પૂરી થયેલી સાઉથ આફ્રિકા સામેની નિર્ણાયક ટેસ્ટ દરમ્યાન હરીફ સુકાની ડીન એલ્ગર વિરુદ્ધના એલબીડબ્લ્યુના નિર્ણયને ડીઆરએસમાં (થર્ડ અમ્પાયરે) નકારી કાઢ્યો ત્યાર બાદ વિરાટ કોહલીએ સ્ટમ્પ-માઇક પર બળાપો કાઢ્યો હતો. તેણે ખાસ કરીને યજમાન દેશના બ્રૉડકાસ્ટર પર ક્રોધ ઠાલવ્યો હતો. જોકે સુપરસ્પોર્ટે ગઈ કાલે ખુલાસામાં જણાવ્યું હતું કે ‘ડીઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) પર અમારો કોઈ કન્ટ્રોલ નથી હોતો. બીજી રીતે કહીએ તો પ્લેયર રિવ્યુ દરમ્યાન બૉલ-ટ્રૅકિંગ માટેની હૉક-આઇ ટેક્નોલૉજી પર અમારો કોઈ કન્ટ્રોલ ન હોય. હૉક-આઇ સ્વતંત્ર સર્વિસ પ્રોવાઇડર છે જેની ટેક્નૉલૉજી આઇસીસી દ્વારા વપરાય છે. અમે ભારતીય પ્લેયરોની ટિપ્પણીઓને ધ્યાનમાં લીધી છે.’
શુક્રવારે આ મુદ્દે પત્રકારોએ પૂછતાં કોહલીએ કહ્યું હતું કે ‘હું આ મુદ્દે વધુ કંઈ કહેવા નથી માગતો. વિવાદ ઊભા કરવામાં મને કોઈ રસ નથી.’
જોકે એ દિવસે સ્ટમ્પ-માઇક પાસે જઈને કોહલી બોલ્યો હતો, ‘માત્ર હરીફો પર નહીં, તમારી ટીમ પર પણ ધ્યાન આપો.’
અશ્વિન આ મુદ્દે બોલ્યો હતો, ‘સુપરસ્પોર્ટ, તમારે જીતવા માટે કોઈ સારો ઉપાય શોધવો જોઈએ.’ છેલ્લે કે. એલ. રાહુલ બોલ્યો હતો, ‘જાણે આખો દેશ ૧૧ પ્લેયર્સ સામે રમી રહ્યો છે.’

sports sports news cricket news