કોહલી સાથે સરખામણીથી આઝમને ગર્વ, પણ તેને આશા છે...

02 December, 2020 01:26 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

કોહલી સાથે સરખામણીથી આઝમને ગર્વ, પણ તેને આશા છે...

બાબર આઝમ

પાકિસ્તાનના વર્તમાન કૅપ્ટન બાબર આઝમને પાકિસ્તાનનો વિરાટ કોહલી કહેવામાં આવે છે અને એ સરખામણી તેને ગમે પણ છે છતાં બાબરનું સપનું છે કે ભવિષ્યમાં તે એવી કક્ષાએ પહોંચવા માગે છે કે અન્ય બૅટ્સમેનોની સરખામણી તેની સાથે કરવામાં આવે.

આ વિશે વિગતવાર વાત કરતાં બાબર આઝમે કહ્યું કે ‘દિગ્ગજ બૅટ્સમેનો સાથે થતી મારી સરખામણી અને વિશ્વના ટૉપ પાંચ બૅટ્સમેનમાં નામ આવવું એ મને ગર્વની અનુભૂતિ કરાવે છે, પણ મારું સપનું છે કે એક દિવસ હું એવી કક્ષાએ પહોંચવા માગું છું જ્યાં અન્ય બૅટ્સમેનની સરખામણી મારી સાથે કરવામાં આવે અને મારી સરખામણી કોઈની સાથે ન થાય. હું જાણું છું એ દિગ્ગજોની જેમ મારે પણ દરેક પ્રકારની પરિસ્થિતિમાં પર્ફોર્મ કરવું પડશે અને તેમની સાથે સ્પર્ધા કરવી પડશે. હું પણ તેમની જેમ પોતાની ટીમ માટે મૅચ જીતવા માગું છું અને પર્ફોર્મ કરવા માગું છું. જ્યારે તમે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા જેવી જગ્યાએ રમો છો અને રન બનાવો છો ત્યારે તમને આત્મસંતોષ મળે જ છે તેમ જ લોકો તમને નોટિસ પણ કરે છે. ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ અઘરી રહેશે પણ મેં મારી માનસિકતા જાળવી રાખી છે કે મારે ટેસ્ટ અને ટી૨૦માં રન બનાવવા છે. ઇંગ્લૅન્ડમાં અમે સારું રમ્યા હતા અને તેમને કપરી સ્પર્ધા આપી હતી માટે હું અહીં પણ ઘણો આશાસ્પદ છું. ન્યુ ઝીલૅન્ડમાં પરિસ્થિતિ અલગ છે અને અમારે એનાથી ઍડ્જસ્ટ થવાનું છે. સારું છે કે અમે અહીં વહેલા આવી ગયા છીએ જેથી અમે અહીંની પરિસ્થિતિથી વાકેફ થઈ જઈએ. હા, એ ખરી વાત છે કે ક્રિકેટમાં ક્યારે પણ શીખવાનું બંધ નથી થતું. હું જ્યારે પણ પર્ફોર્મ નથી કરી શકતો ત્યારે મારી બૅટિંગ-સ્ટડી કરું છું. મારી અને અન્ય લોકોની બૅટિંગના વિડિયો જોવામાં હું કલાકો વિતાવું છું. મારા માટે શીખવાની એ એક સારી પ્રક્રિયા છે.’

sports sports news cricket news pakistan virat kohli