દ્રવિડે દોડીને ચાહકો પાસે જઈને કહ્યું, ‘અરે, ગિરોગે આપ લોગ...’

18 June, 2022 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની સાથે સેલ્ફી લેવા બૅરિકેડ્સ પર ટિંગાયેલા લોકોને જોઈને હેડ-કોચ સામેથી તેમની પાસે ગયો અને તેમના મોબાઇલ લઈને પોતે સેલ્ફી લઈ આપ્યો

રાહુલ દ્રવિડે રાજકોટના સ્ટેડિયમમાં ગઈ કાલે કેટલાક ચાહકોના મોબાઇલ લઈને પોતે જ તેમને પોતાની સાથેનો સેલ્ફી લઈ આપ્યો હતો. દ્રવિડે તેમને ઑટોગ્રાફ પણ આપ્યા હતા. ચિરાગ ચોટલિયા

રાજકોટમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી૨૦ મૅચ પહેલાં ટીમ ઇન્ડિયા પ્રૅક્ટિસ કરતી હતી ત્યારે હેડ-કોચ રાહુલ દ્રવિડ એ પ્રૅક્ટિસ જોતો હતો, પણ એ દરમ્યાન તેનું ધ્યાન રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમના બૅરિકેડ્સ પર ટિંગાઈને પાછળ દ્રવિડ આવે એ રીતે સેલ્ફી લેવાની કોશિશ કરતા પોતાના ફૅન્સ પર પડતાં દ્રવિડ લગભગ ભાગતો જ એ લોકો પાસે ગયો હતો અને તેમને ટિંગાવાની ના પાડતાં કહ્યું હતું, ‘અરે ગિરોગે આપ લોગ...’
આ રીતે લટકતી પોઝિશનમાં એ લોકો શું કરે છે એ પૂછતાં જ્યારે દ્રવિડને ખબર પડી કે તેઓ પોતાની સાથે સેલ્ફી લેવા માટે આ જોખમ લઈ રહ્યા હતા ત્યારે દ્રવિડે ખેલદિલીપૂર્વક પોતાના ફૅન્સ પાસે જઈને સામેથી મોબાઇલ માગીને પોતે જ સેલ્ફી લઈ આપ્યા અને આવું એક-બે નહીં, ત્યાં હાજર ૧૨થી ૧૫ યુવકો સાથે કર્યું હતું. અમુકના તો મોબાઇલ ઑપરેટ કરતાં દ્રવિડને ફાવતું નહોતું તો કેવી રીતે ફોટો લેવો એ પણ દ્રવિડ તેમને પૂછતો હતો.
પોતાના ફૅન્સ સાથે કેવી રીતે વર્તવું અને તેમનાં દિલ કેવી રીતે જીતી લેવાં એનું બેસ્ટ એક્ઝામ્પલ આપતાં દ્રવિડે ત્યાં હાજર રહેલા ૧૦ વર્ષના એક બાળકને પોતે પહેરેલી કૅપ પણ સામેથી બોલાવીને આપી દીધી હતી.

રાહુલ દ્રવિડે રાજકોટના સ્ટેડિયમમાં ગઈ કાલે કેટલાક ચાહકોના મોબાઇલ લઈને પોતે જ તેમને પોતાની સાથેનો સેલ્ફી લઈ આપ્યો હતો. દ્રવિડે તેમને ઑટોગ્રાફ પણ આપ્યા હતા.  ચિરાગ ચોટલિયા

sports news sports cricket news