‘દિનેશ કાર્તિક સૌથી વધુ ખુશ થયો જ હશે’ : મુરલી વિજય નિવૃત્તિની જાહેરાત પછી થયો ટ્રોલ

31 January, 2023 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિકે પત્ની નિકિતાને વિજય સાથેના અફેર બાદ ડિવૉર્સ આપેલા : વિજય ટેક્નિક માટે જાણીતો હતો

મુરલી વિજય

ભારતના એક સમયના સૌથી ભરોસાપાત્ર ઓપનિંગ બૅટર મુરલી વિજયે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી ગઈ કાલે નિવૃ​ત્તિ જાહેર કરી એ સાથે જ કેટલાક ટ્વિટર-યુઝર્સે વિજય સાથે તેની ભૂતકાળની એક ઘટનાને સાંકળી લીધી હતી. એટલું જ નહીં, વિજય સોશ્યલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો.

વિજય અને દિનેશ કાર્તિક એ બન્ને ખેલાડી તામિલનાડુના છે. એક સમયે બન્ને વચ્ચે બહુ સારી મિત્રતા હતી. ૨૦૧૨માં વિજય હઝારે ટ્રોફીમાં તામિલનાડુની કર્ણાટક સામેની મહત્ત્વની મૅચ દરમ્યાન કાર્તિકને જાણ થઈ કે તેની પત્ની નિકિતાનું મુરલી વિજય સાથે અફેર ચાલી રહ્યું છે. કાર્તિકે થોડા સમયમાં જ નિકિતાને ડિવૉર્સ આપી દીધા હતા. છૂટાછેડા બાદ નિકિતા પ્રેગ્નન્ટ થઈ હતી અને તેણે વિજય સાથે લગ્ન કરી લીધાં હતાં. નિકિતા-વિજયને ત્રણ બાળકો છે. ૨૦૧૫માં કાર્તિકની ભારતની ટોચની સ્ક્વૉશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે રિલેશનશિપ શરૂ થઈ હતી અને એ જ વર્ષે ઑગસ્ટમાં તેમણે લગ્ન કરી લીધાં હતાં.

૩૮ વર્ષના વિજયે ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરતાં કેટલાક ટ્વિટર-યુઝર્સે વિજયને ટ્રોલ કરતાં લખ્યું હતું કે ‘વિજયના રિટાયરમેન્ટવાળા  સમાચાર સાંભળીને કાર્તિક સૌથી વધુ ખુશ થયો હશે.’

રાઇટ-હૅન્ડ બૅટર મુરલી વિજય છેલ્લે ડિસેમ્બર ૨૦૧૮માં ભારત વતી અને સપ્ટેમ્બર ૨૦૨૦માં આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. તેણે ૬૧ ટેસ્ટમાં ૧૨ સદીની મદદથી ૩૯૮૨ રન બનાવ્યા હતા. ૩૮.૨૮ તેની ઍવરેજ હતી. વિજય બૅટિંગ ટેક્નિક માટે તેમ જ નવા બૉલ સામે ધૈર્યપૂર્વક રમવાની આવડત માટે જાણીતો હતો. ઑફ અને લેગ સ્ટમ્પની બહાર જતા બૉલને છોડી દઈને વિકેટ સાચવી રાખવાની ખાસિયત પણ તેનામાં હતી. ૨૦૧૩માં હૈદરાબાદમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં બનાવેલા ૧૬૭ રન તેનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર હતો. એ મૅચમાં ભારતે એક ઇનિંગ્સ અને ૧૩૫ રનથી જીત મેળવી હતી. પુજારાની એમાં ડબલ સેન્ચુરી (૨૦૪) હતી.

૨૦૦૮માં ગૌતમ ગંભીરના વિકલ્પ તરીકે રમનાર વિજયે ૧૭ વન-ડેમાં ૩૩૯ રન અને ૯ ટી૨૦માં ૧૬૯ રન બનાવ્યા છે. આઇપીએલમાં તે ચેન્નઈ ઉપરાંત દિલ્હી, પંજાબ વતી પણ રમ્યો હતો અને કુલ ૧૦૬ મૅચમાં બે સદીની મદદથી ૨૬૧૯ રન બનાવ્યા છે.

મુરલી વિજય ક્રિકેટની દુનિયામાં નવી તક શોધીને એને ફૉલો કરવા માગે છે અને બિઝનેસના ક્ષેત્રે નસીબ અજમાવશે.

sports news sports indian cricket team cricket news dinesh karthik murali vijay chennai super kings