ધોનીની વર્લ્ડ કપ વિનિંગ સિક્સરને લીધે કિરણ નવગિરે ઍથ્લીટમાંથી બની ક્રિકેટર

28 May, 2022 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં ગુરુવારે ૨૫ બૉલમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો રેકૉર્ડ કરનાર સોલાપુરની મહિલા બૅટરને દરેક મૅચમાં માહીની જેમ સિક્સર ફટકારવી છે

ધોનીની વર્લ્ડ કપ વિનિંગ સિક્સરને લીધે કિરણ નવગિરે ઍથ્લીટમાંથી બની ક્રિકેટર

વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં કિરણ નવગિરે ગુરુવારે ૨૫ બૉલમાં ફાટેસ્ટ હાફ સેન્ચુરીના રેકૉર્ડ સાથે પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે ૩૪ બૉલમાં ૬૯ રનની આક્રમક ઇનિંગ્સ સાથે છવાઈ ગઈ હતી. તેની આ કમાલની ઇનિંગ્સ છતાં તેની ટીમ વેલોસિટી ૧૬ રનથી મૅચ હારી ગઈ હતી, પણ બહેતર રનરેટના આધારે ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ હતી. 
 સોલાપુરની ૨૭ વર્ષની કિરણ નવગિરે ક્રિકેટર બનતાં પહેલાં જેવેલિન થ્રો, શૉટપુટ અને રનિંગ વગેરેમાં ચમકી ચૂકી છે અને અઢળક મેડલ જીતી છે. ૨૦૧૧ વર્લ્ડ કપમાં ભારતની જીત અને ખાસ કરીને ધોનીની વિનિંગ સિક્સરથી પ્રેરિત થઈને તે ૨૦૧૬માં ક્રિકેટર બની હતી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવવા માંડી છે. ગુરુવારે મૅચ બાદ સાથી-ખેલાડી યાસ્તિકા શર્મા સાથેની વાતચીતના એક વિડિયોમાં તેણે કબૂલ્યું હતું કે ‘કરોડો ક્રિકેટપ્રેમીઓની જેમ ધોનીની વિનિંગ સિક્સરે મારી પણ લાઇફ બદલી નાખી હતી અને તેની જેમ જ સિક્સર ફટકારવા માટે હું ક્રિકેટર બની ગઈ હતી. હું ૨૦૧૧ના વર્લ્ડ કપની મૅચો રસપૂર્વક જોતી હતી અને ધોનીસરની એ વિનિંગ સિક્સરે મને ખૂબ પ્રભાવિત કરી હતી. ત્યારથી મને લાગે છે કે મારે પણ દરેક મૅચમાં તેમની જેમ સિક્સર ફટકારવી જોઈએ.’

cricket news sports news sports