‘બેબી એબી’ને સચિન પાસેથી ઘણું શીખવું છે

04 March, 2022 07:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદેલા સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસને પોતાની ઓળખ બનાવવી છે

‘બેબી એબી’ને સચિન પાસેથી ઘણું શીખવું છે

મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ તાજેતરમાં ૨૦ લાખની મૂળ કિંમત સામે ૩ કરોડ રૂપિયામાં ખરીદેલો સાઉથ આફ્રિકાની અન્ડર-19 ટીમનો ૧૮ વર્ષનો સ્ટાર ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ આગામી આઇપીએલમાં રમવા ઉત્સુક છે. ખાસ કરીને તે એમઆઇના મેન્ટર સચિન તેન્ડુલકર પાસેથી ઘણું નવું શીખવા માગે છે.
સચિનની આત્મકથાથી પ્રોત્સાહિત
બ્રેવિસ નાનપણથી સચિનને હીરો માને છે. તે કહે છે કે ‘સચિન જે રીતે રમતો એ મારા સહિતના યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે. તેણે સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં જે ડબલ સેન્ચુરી કરી હતી એ મારી દૃષ્ટિએ તેની બેસ્ટ ઇનિંગ્સ છે. મેં ટીવી પર મારા ભાઈની સાથે તેની એ ઇનિંગ્સ જોઈ હતી. સચિન અદ્ભુત રમ્યો હતો. મેં તેની ‘પ્લેઇંગ ઇટ માય વે’ ટાઇટલવાળી આત્મકથા પણ વાંચી છે. એમાં એવી ઘણી બાબતો છે જેનું હું અનુકરણ કરવા માગું છું. હું સચિનની કારકિર્દી અને તેના જીવન પરથી એક ખાસ વાત એ શીખ્યો છું કે દરેકે હંમેશાં વિનમ્ર બની રહેવું જોઈએ, કારણ કે અભિમાન માણસને પતન તરફ લઈ જાય છે.’
પોતાની જ ઓળખ બનાવવી છે
ડેવાલ્ડ બ્રેવિસની રમવાની સ્ટાઇલ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન સુપરસ્ટાર એ. બી. ડિવિલિયર્સ (એબીડી) જેવી જ હોવાથી અને તેની જેમ જ તે ફટકાબાજી કરતો હોવાથી જુનિયર ક્રિકેટમાં તે ‘બેબી એબી’ તરીકે જાણીતો છે. તેઓ એક જ સ્કૂલમાં ભણ્યા છે અને એક જ કોચ પાસેથી તાલીમ લીધી છે. એબીડી થોડા સમય પહેલાં બ્રેવિસના ઘરે પણ જઈ આવ્યો છે અને ત્યારથી તે બ્રેવિસનો મેન્ટર બન્યો છે.
જોકે ડેવાલ્ડે કહ્યું કે ‘મારી તુલના એ. બી. ડીવિલિયર્સ સાથે થઈ રહી છે એ મારા માટે મોટું ગૌરવ છે, 
પણ મારે મારી ઓળખ બનાવવી છે. ઇચ્છું છું કે લોકો મને ડેવાલ્ડ બ્રેવિસ તરીકે જ ઓળખે.’

sports news sachin tendulkar