ટીમમાં પસંદગી ન થતાં ખેલાડીએ કર્યો ભૂતપૂર્વ બોલર અમિત ભંડારી પર હુમલો

12 February, 2019 09:54 AM IST  | 

ટીમમાં પસંદગી ન થતાં ખેલાડીએ કર્યો ભૂતપૂર્વ બોલર અમિત ભંડારી પર હુમલો

અમિત ભંડારી પર થયો હુમલો


ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલર અને દિલ્હી ઍન્ડ ડિસ્ટિÿક્ટ ક્રિકેટ અસોસિએશનની સિનિયર સિલેક્શન કમિટીના ચૅરમૅન અમિત ભંડારી પર અન્ડર-૨૩ ટીમમાં સિલેક્ટ ન થયેલા ખેલાડીની આગેવાનીમાં કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. ગઈ કાલે દિલ્હીના સેન્ટ સ્ટીફન મેદાનમાં ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થનારી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે ટીમ તૈયારી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ભંડારીના માથામાં અને કાનમાં ઈજા થતાં તેનો સાથી સુખવિન્દર સિંહ તેને સિવિલ લાઇન્સમાં આવેલી સંત પરમાનંદ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ડેપ્યુટી પોલીસ-કમિશનર (નૉર્થ) નુપૂર પ્રસાદે કહ્યું હતું કે ‘અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ. ઈજાગ્રસ્તનું સ્ટેટમેન્ટ લીધા બાદ કેસ દાખલ કરવામાં આવશે.’


પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની અન્ડર-૨૩ ટીમમાં પંસદગી ન થનારા અનુજ દેઢા આ હુમલા પાછળ જવાબદાર છે, કારણ કે તેની નૅશનલ અન્ડર-૨૩ વન-ડે ટીમમાં પસંદગી થઈ નહોતી. નામ ન જણાવવાની શરતે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ‘અનુજ ઘણા સમયથી પોતાની પસંદગી માટે દબાણ કરતો હતો, પરંતુ ભંડારીએ તે સારો ન હોવાથી ના પાડી હતી. એથી તેણે ભાડૂતી ગુંડાઓની મદદથી ભંડારી પર હૉકી-સ્ટિક અને સળિયાથી હુમલો કર્યો.’


દિલ્હી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે ‘મેરિટના આધારે પસંદગી ન થનાર ખેલાડી ગુંડાઓની મદદથી ટીમમાં પસંદગી માટે દબાણ કરતો હતો. એક પ્રામાણિક સિલેક્ટરને પોતાની ફરજ બજાવતાં રોકવામાં આવ્યો છે.’

આ પણ વાંચોઃ વિન્ડિઝ સામે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ મજબૂત સ્થિતિમાં

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ગંભીરે કહ્યું હતું કે આવા ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

sports news cricket news