સ્થાનિક ક્રિકેટ શરૂ થઈ નથી થઈ, પણ વિવાદોનું ચક્ર ગતિમાન

11 January, 2021 12:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્થાનિક ક્રિકેટ શરૂ થઈ નથી થઈ, પણ વિવાદોનું ચક્ર ગતિમાન

દીપક હૂડા

કોરોના મહામારી વચ્ચે ગઈ કાલથી મુશ્તાક અલી ટ્રોફીની શરૂઆત થઈ હતી અને સાથોસાથ વિવાદોની પણ શરૂઆત થઈ હતી. વાસ્તવમાં બરોડાની ટીમ માટે રમતા ઑલરાઉન્ડર દીપક હૂડાએ પોતાની જ ટીમના કૅપ્ટન કૃણાલ પંડ્યા પર ગેરવ્યવહારનો અને કરીઅર ખતમ કરવાની ધમકી આપ્યાનો આરોપ મૂક્યો હતો.

દીપકે બરોડા ક્રિકેટ અસોસિએશન (બીસીએ)ને ઈ-મેઇલ દ્વારા પત્ર લખીને આ વાતની જાણકારી આપી હતી. પત્રમાં કૃણાલની ફરિયાદ કરતાં હુડાએ કહ્યું કે ‘હમણાં હું ઘણો નિરાશ અને દબાણમાં છું. છેલ્લા કેટલાક દિવસથી મારી ટીમના કૅપ્ટન મિસ્ટર કૃણાલ પંડ્યા બરોડાના રિલાયન્સ સ્ટેડિયમમાં રમવા આવેલા અન્ય રાજ્યની ટીમના પ્લેયર્સ અને અમારી પોતાની ટીમના પ્લેયર્સ સામે મારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. મેં તેમને કહ્યું કે હું હેડ કોચની મંજૂરી લીધા બાદ પ્રૅક્ટિસ કરી રહ્યો છું ત્યારે તેણે મને કહ્યું કે કોણ હેડ કોચ? હું બરોડા ટીમનો સર્વેસર્વા છું. કોઈ પણ ટીમના કૅપ્ટનનો આટલો ખરાબ વ્યવહાર મેં ક્યારેય નથી જોયો. હું એક ટીમમૅન છું અને મારાથી પહેલાં મેં હંમેશાં મારી ટીમને પ્રાધાન્ય આપ્યું છે. મને આ વાતનું ઘણું ખોટું લાગ્યું ,છે કેમ કે મને મારી ગેમ પ્રત્યે માન છે અને મારા પણ કેટલાંક મૂલ્યો છે. ઉપરોક્ત હકીકતને ધ્યાનમાં રાખીને જ્યારે અમારી બરોડા ટીમના કૅપ્ટન મને સતત હેરાન કરી રહ્યા છે અને મારી તૈયારીમાં બાધા મૂકી રહ્યા છે એવા સંજોગોમાં હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતો નથી.’

ઉલ્લેખનીય છે કે બરોડાની પહેલી મૅચ ગઈ કાલે ઉત્તરાખંડ સામે હતી જેમાંથી દીપક ખસી ગયો હતો અને બીસીએના સેક્રેટરી અજિત લેલેએ પણ દીપક ટીમમાંથી બહાર થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. બીસીએએ આ બાબતે ટીમ-મૅનેજમેન્ટ પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો છે.

sports sports news cricket news krunal pandya