વૉર્નર જેટલા રન કરવામાં જ શ્રીલંકાની આખી ટીમ થઈ પૅવિલિયનભેગી

28 October, 2019 10:10 AM IST  |  મુંબઈ

વૉર્નર જેટલા રન કરવામાં જ શ્રીલંકાની આખી ટીમ થઈ પૅવિલિયનભેગી

ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે રમાયેલી પહેલી ટી૨૦ મૅચમાં યજમાન ટીમે ૧૩૪ રનથી વિજય મેળવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ડેવિડ વૉર્નરે ૫૬ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી નૉટઆઉટ ૧૦૦ રન બનાવ્યા હતા. ૧૨ મહિનાના પ્રતિબંધ બાદ વૉર્નરે ઇન્ટરનૅશનલ ટી૨૦માં પોતાની પહેલી સેન્ચુરી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી ૨૩૩ રન કર્યા હતા.
શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો, પણ એ અનુકૂળ સાબિત થયો ન હતો, જ્યારે એરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નર વચ્ચે પહેલી વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી થઈ હતી. ફિન્ચ ૩૬ બૉલમાં ૬૪ રન બનાવીને લક્સન સંદકનનો શિકાર બન્યો હતો. જોકે વનડાઉન આવેલા ગ્લેન મૅક્સવેલે ટીમના સ્કોરમાં ૬૨ રનનું યોગદાન આપ્યું હતું. શરૂઆતથી જ ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ ધુઆંધાર રમત રમવાની શરૂઆત કરી હતી. શ્રીલંકન ટીમે ૬ પ્લેયરો પાસેથી બોલિંગ કરાવી હતી જેમાં કસુન રજીથા સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં ૭૫ રન આપ્યા હતા. લક્સન સંદકન અને દસુન સનાકા એક-એક વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા.
ઑસ્ટ્રેલિયાએ આપેલા ૨૩૪ રનના વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહેમાન ટીમ શરૂઆતથી જ નબળી રહી અને પહેલી જ ઓવરમાં કુસલ મેન્ડિસના રૂપે વિકેટ ગુમાવી બેઠી હતી. શ્રીલંકાનો કોઈ પણ પ્લેયર ૨૦થી વધારે રન કરી શક્યો નહોતો. ટીમના પાંચ પ્લેયર સિંગલ ડિજિટ સ્કોર કરીને પૅવિલિયનભેગા થઈ ગયા હતા. ઑસ્ટ્રેલિયન ટીમમાં ઍડમ ઝૅમ્પાએ સૌથી વધ ત્રણ વિકેટ મેળ‍વી હતી. પૅટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કને બે-બે અને એસ્ટન એગરને એક વિકેટ મળી હતી. ટૂંકમાં શ્રીલંકાની આખી ટીમ પ્લેયર ઑફ ધ મૅચ બનેલા ડેવિડ વૉર્નર જેટલો સ્કોર કરવામાં જ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી.

આ પણ જુઓઃ જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

 એક સમયે પિચ પર ટકી રહેવા મથામણ કરતી શ્રીલંકાન ટીમની હૅટ ટ્રિક લેવાની તક પેટ કમિન્સને મળી હતી, પણ તે એ તક ચૂકી ગયો હતો. તેણે ચોથી ઓવરના ત્રીજા અને ચોથા બૉલમાં દનુષ્કા ગુણાથિલાકાને ૧૧ રનમાં અને ભાનુકા રાજપક્સાને બે રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ ૨૦૦૭માં સિડનીમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ટી૨૦માં ૨૨૧ રનનો સ્કોર કર્યો હતો, ત્યાર બાદ યજમાનનો ટી૨૦માં (બે વિકેટે ૨૩૩ રન) ઘરઆંગણે આ હાઇએસ્ટ સ્કોર બન્યો છે. બન્ને ટીમ વચ્ચે બીજી ટી૨૦ મૅચ ૩૦ ઑક્ટોબરે બ્રિસબેનમાં રમાશે.

સેન્ચુરી ફટકારી ડેવિડ વૉર્નરનું બર્થ-ડે સેલિબ્રેશન
ઑસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વૉર્નરે ગઈ કાલે શ્રીલંકા સામેની પહેલી ટી૨૦ મૅચમાં સેન્ચુરી ફટકારીને પોતે જ પોતાને બર્થ-ડે ગિફ્ટ આપી હતી. ગઈ કાલે તેનો ૩૩મો જન્મદિવસ હતો. બૉલ-ટેમ્પરિંગના વિવાદમાં ફસાયા બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કમબૅક કરનાર વૉર્નરની ટી૨૦માં આ પહેલી સેન્ચુરી છે.
મૅચ બાદ પ્લેયર ઑફ ધ મૅચ ઘોષિત થયેલા વૉર્નરે કહ્યું હતું કે ‘આટલી સારી વિકેટ પર આવી રીતે ખીલીને રમવું મારા માટે ઘણી સારી વાત છે. ફિન્ચ પણ સારી પારી રમ્યો હતો, પણ હું છેલ્લે સુધી રમવા માગતો હતો. અમે ઘણો
સારો અને પર્યાપ્ત સ્કોર કરી શક્યા હતા.’

cricket news