અમેરિકાને પાંચ ‘ભારતીયોએ’ વન-ડેમાં સ્કૉટલૅન્ડ સામે જિતાડ્યું

19 August, 2022 11:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોનાંક પટેલની ટીમના જસ્કરન મલ્હોત્રાએ સેકન્ડ-લાસ્ટ બૉલ પર અપાવ્યો વિજય

જસ્કરન મલ્હોત્રા છેલ્લા ૮ બૉલમાં બાવીસ રન બનાવીને અમેરિકાને જિતાડીને જ રહ્યો.

આવતા વર્ષે ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટે નાના દેશો વચ્ચે અત્યારે જે ક્વૉલિફાઇંગ રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં બુધવારે અમેરિકાએ સ્કૉટલૅન્ડની ચડિયાતી ટીમને અત્યંત રોમાંચક બનેલી વન-ડેમાં માત્ર એક બૉલ બાકી રાખીને બે વિકેટના માર્જિનથી હરાવીને વિશ્વકપમાં પોતાના રમવાની સંભાવના મજબૂત કરી હતી. અમેરિકાને ભારતીય મૂળના પાંચ ખેલાડીઓએ આ વિજય અપાવ્યો હતો. પાંચમાંથી એક ખેલાડી ગુજરાતી છે અને તે છે યુએસએ ટીમનો કૅપ્ટન મોનાંક પટેલ.

ક્રિકેટજગતમાં આયરલૅન્ડ અને નેધરલૅન્ડ્સની જેમ સ્કૉટલૅન્ડની ટીમ પણ ખૂબ જાણીતી છે. સ્કૉટલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ ૮ વિકેટે ૨૪૯ રન બનાવ્યા હતા જેમાં કૅલમ મૅક્લિઓડ (૧૩૩ અણનમ, ૧૪૪ બૉલ, બે સિક્સર, તેર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. માઇકલ લીસ્કે ૪૧ રન બનાવ્યા હતા. યુએસએ વતી મુંબઈમાં જન્મેલા અને રણજીમાં મુંબઈ વતી રમી ચૂકેલા લેફ્ટ-આર્મ પેસ બોલર સૌરભ નેત્રાવલકરે બે વિકેટ અને ઇયાન હૉલેન્ડે ત્રણ વિકેટ લીધી હતી. ટીમના બીજા ગુજરાતી ખેલાડી નિસર્ગ પટેલને ૩૯ રનમાં વિકેટ નહોતી મળી, પરંતુ તેણે સ્કૉટિશ બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા.

યુએસએ ટીમે ૨૫૦ રનનો લક્ષ્યાંક ૮ વિકેટના ભોગે ૪૯.૫ ઓવરમાં મેળવી લીધો હતો. એમાં કૅપ્ટન મોનાંક પટેલ (૫૦ રન, ૫૭ બૉલ, એક સિક્સર, બે ફોર)નું મહત્ત્વનું યોગદાન હતું. આરોન જૉનેસે ૮૭ બૉલમાં ૬૨ રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર સુશાંત મોદાનીએ ૨૮ રન, ગજાનંદ સિંહે ૩૩ રન અને જસ્કરન મલ્હોત્રાએ પચીસ બૉલમાં અણનમ ૩૬ રન બનાવ્યા હતા. ૪૯ ઓવરમાં યુએસએ ટીમે ૮ વિકેટે ૨૩૫ રન બનાવ્યા હતા અને છેલ્લા ૬ બૉલમાં જીતવા માટે ૧૫ રન બનાવવાના હતા, જે મલ્હોત્રાએ સફ્યાન શરીફની એ ઓવરના પહેલા બૉલમાં સિક્સર અને ત્રીજા, ચોથા બૉલમાં ફોર ફટકારીને પાંચમા બૉલમાં વિજયી રન દોડીને બનાવી લીધા હતા. બોલર શરીફ અન્ડર-આર્મ થ્રોમાં મલ્હોત્રાના સાથી જેસી સિંહને રનઆઉટ નહોતો કરી શક્યો. જેસી શૂન્ય પર જ અણનમ રહ્યો હતો. એ રન દોડાતાં જ અમેરિકાની ટીમની છાવણીમાંથી કૅપ્ટન મોનાંક પટેલ અને બીજા ખેલાડીઓ મેદાન પર તેને 
ભેટવા દોડી આવ્યા હતા. અણનમ ૧૩૩ રન બનાવનાર સ્કૉટિશ બૅટર મૅક્‍લિઓડને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

sports sports news cricket news