આજથી નિર્ણાયક ટેસ્ટ : કોહલી ફિટ, સિરાજ અન-ફિટ

11 January, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાઉથ આફ્રિકામાં પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતવાનો જશ પણ વર્તમાન ટેસ્ટ-ટીમ લેશે.

આજથી નિર્ણાયક ટેસ્ટ : કોહલી ફિટ, સિરાજ અન-ફિટ

કેપ ટાઉનના ન્યુ લૅન્ડ્સમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મુકાબલાવાળી ટેસ્ટ-સિરીઝની નિર્ણાયક મૅચ (બપોરે ૨.૦૦ વાગ્યાથી લાઇવ) શરૂ થઈ રહી છે. ભારત આ સ્થળે ક્યારેય ટેસ્ટ નથી જીત્યું, પરંતુ જો આ વખતે જીતશે તો આ મેદાન પર ભારતે નવું પ્રકરણ શરૂ કર્યું કહેવાશે. એ ઉપરાંત સાઉથ આફ્રિકામાં પહેલી વાર ટેસ્ટ-સિરીઝ જીતવાનો જશ પણ વર્તમાન ટેસ્ટ-ટીમ લેશે.
કૅપ્ટન વિરાટ કોહલી પીઠના દુખાવાને કારણે બીજી ટેસ્ટમાં ન રમ્યા બાદ હવે આજે રમવા માટે ફિટ છે, પરંતુ પેસ બોલર મોહમ્મદ સિરાજ અન-ફિટ છે. કોહલીએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ફાસ્ટ બોલર ૧૧૦ ટકા ફિટ ન હોય તો તેને મૅચમાં રમાડવાનું જોખમ ન લેવું જોઈએ.
જોકે સિરાજને બદલે ઇશાન્ત રમશે કે ઉમેશ યાદવ એ વિશે તેણે કંઈ જ કહ્યું નહોતું.
કોહલી-રહાણેને નવી સિદ્ધિની તક
ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને ૮૦૦૦ રન પૂરા કરનારો છઠ્ઠો ભારતીય બૅટર બનવા ૧૪૬ રનની જરૂર છે. તે ૧૦૦ કૅચના આંકડાથી માત્ર બે ડગલાં દૂર છે. અજિંક્ય રહાણેને ૫૦૦૦ રન પૂરા કરવા ૭૯ રનની અને ૧૦૦ કૅચ પૂરા કરવા એક શિકારની જરૂર છે.
કૅગિસો રબાડાની ૫૦મી ટેસ્ટ
સાઉથ આફ્રિકાની ટીમ પોતાના કૅપ્ટન ડીન એલ્ગરની ગયા અઠવાડિયાની મૅચ-વિનિંગ ઇનિંગ્સને લઈને ખૂબ જુસ્સેદાર અને આત્મવિશ્વાસથી છલોછલ ભરેલી છે. તેઓ પણ ભારતને આ સિરીઝમાં હરાવીને પોતાની નબળી પડેલી છાપ સુધારવા માટે ખૂબ જ આતુર છે. સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કૅગિસો રબાડાની આ ૫૦મી ટેસ્ટ છે.

sports news cricket news virat kohli