ઑસ્ટ્રેલિયા સામેની રાજકોટની વન-ડે જીતીને ભારતે કરી સિરીઝમાં બરાબરી

18 January, 2020 12:15 PM IST  |  Rajkot

ઑસ્ટ્રેલિયા સામેની રાજકોટની વન-ડે જીતીને ભારતે કરી સિરીઝમાં બરાબરી

ભારતીય ટીમ

પહેલી વન-ડે ઑસ્ટ્રેલિયા સામે હારી ગયા બાદ ગઈ કાલે રમાયેલી બીજી વન-ડે ઇન્ડિયાએ ૩૬ રનથી જીતી લીધી હતી. આ મૅચ જીતીને ઇન્ડિયાએ ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. શિખર ધવન ચાર રનથી સેન્ચુરી ચૂકી ગયો હતો. પાંચમા નંબરે બૅટિંગ માટે આવેલા લોકેશ રાહુલને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ વખતે પણ ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. ઇન્ડિયન ટીમે ઓપનિંગ માટે રોહિત શર્મા અને શિખર ધવનને ઉતાર્યા અને આ બન્ને પ્લેયરોએ પહેલી વિકેટ માટે ૮૧ રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત ૪૨ રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ આ વખતે કોઈ ભૂલ ન કરતાં વન-ડાઉન ઊતર્યો હતો અને ૭૮ રન બનાવીને આ મૅચમાં પણ ઍડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. ધવન ૯૬ રન બનાવીને કેન રિચર્ડસનના બૉલમાં આઉટ થયો હતો. તેણે ૯૦ બૉલમાં ૧૩ બાઉન્ડરી અને એક સિક્સર ફટકારી હતી. લોકેશ રાહુલે પાંચમા નંબરે આવીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો અને બાવન બૉલમાં ૮૦ રનની પારી રમ્યો હતો. ચોથા ક્રમે આવેલો શ્રેયસ અય્યર અને છઠ્ઠા ક્રમે આવેલો મનીષ પાંડે એકઅંકી સ્કોર કરીને પૅવિલિયનભેગા થઈ ગયા હતા. ઇન્ડિયાએ ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૩૪૦ રન બનાવ્યા હતા.

ઇન્જર્ડ : મૅચ દરમ્યાન ગઈ કાલે શિખર ધવનને જમણી બાજુની પાંસડીઓમાં બૉલ લાગતાં તે ઇજાગ્રસ્ત થયો હતો જેના લીધે તે ફીલ્ડિંગ માટે પીચ પર ઉતરી નહોતો શક્યો. તેના સ્થાને યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાએ ટીમના ૨૦ રનના સ્કોર પર ડેવિડ વૉર્નરની મહત્વની વિકેટ ગુમા‍વી હતી, જ્યારે કૅપ્ટન ફિન્ચ ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. સ્ટીવન સ્મિથ એક બાજુ યજમાન ટીમ પર ભારે પડ્યો હતો, પણ તે ૯૮ રને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. વન-ડેમાં ડેબ્યુ કરનાર માર્નસ લબુશેન પણ પોતાની પહેલી વન-ડે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો અને ૪૬ રને રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. હૅટ-ટ્રિક ચૂકી ગયેલા મોહમ્મદ શમીએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. જોવા જેવું એ છે કે પહેલી વન-ડેમાં એક પણ વિકેટ ન લેનાર ઇન્ડિયન ટીમે બીજી વન-ડેમાં આખી ઑસ્ટ્રેલિયન ટીમને ૪૯.૧ ઓવરમાં ૩૦૪ રને પૅવિલિયનભેગી કરી દીધી હતી.

ભારતે આ મૅચ જીતીને ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. ત્રીજી અને નિર્ણાયક મૅચ આવતી કાલે બૅન્ગલોરમાં રમાશે.

પહેલી વન-ડેમાં એક પણ વિકેટ ન લેનાર ભારતે બીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયન ટીમને ૪૯.૧ ઓવરમાં પૅવિલિયનભેગી કરી દીધી.

india australia cricket news sports news virat kohli mohammed shami Kuldeep Yadav jasprit bumrah