વાનખેડેની શરમજનક હારને રાજકોટમાં જીતમાં બદલી શકશે ઇન્ડિયા?

17 January, 2020 02:02 PM IST  |  Mumbai

વાનખેડેની શરમજનક હારને રાજકોટમાં જીતમાં બદલી શકશે ઇન્ડિયા?

વાનખેડેમાં મળેલી શરમજનક હારનો બદલો લેવા માટે ઇન્ડિયા આજે ખૂબ જ મહેનત કરશે. ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં દસ વિકેટે હાર્યા બાદ એક ઇતિહાસ બની ગયો છે. ઇન્ડિયા પહેલી વાર ઑસ્ટ્રેલિયા સામે દસ વિકેટે હાર્યું છે. આ શરમજનક હારનો બદલો લેવા માટે રાજકોટમાં આજે ઇન્ડિયાએ મૅચ જીતવી આવશ્યક છે. જો ઇન્ડિયા આજની મૅચ ન જીતે તો તેઓ સિરીઝ ૨-૦થી હારી જશે.

પહેલી વન-ડેમાં રિષભ પંતને હેલ્મેટમાં બૉલ વાગ્યો હોવાથી તે આજની મૅચ નથી રમી રહ્યો. તેની જગ્યાએ કે. એલ. રાહુલ વિકેટકીપિંગ કરશે. જોકે આજની મૅચમાં પણ સવાલ એ રહેશે કે રાહુલ કયા નંબર પર બૅટિંગ કરશે. પહેલી મૅચમાં વિરાટ કોહલીની જગ્યાએ રાહુલ ત્રીજા નંબર પર આવ્યો હતો. કોહલી ચોથા નંબર પર આવ્યો હોવાથી તે સારી બૅટિંગ નહોતો કરી શક્યો. જોકે આજે તે કયા નંબર પર આવે એ જોવું રહ્યું. પંતની ગેરહાજરીમાં કેદાર જાધવને ઑલ-રાઉન્ડર તરીકે રમાડવામાં આવે તો નવાઈ નહીં.

આજની મૅચમાં ઇન્ડિયાએ બૅટિંગમાં અગ્રેશન દેખાડવું પડશે. બૅટિંગના પેરેડાઇઝ ગણાતા વાનખેડેમાં તેઓ ફક્ત ૨૫૫ રન બનાવવામાં સક્ષમ રહ્યા હતા. બૅટિંગની સાથે આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ જ નબળું રહ્યું હતું. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર બોલર હોવા છતાં તેઓ એક વિકેટ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

બીજી તરફ ઑસ્ટ્રેલિયાની ટીમ ફુલ ફૉર્મમાં છે. ઍરોન ફિન્ચને તેની ટીમ પહેલી મૅચ જેવું પર્ફોર્મ કરે એવી આશા છે. તેઓ ટીમમાં કોઈ બદલાવ નહીં કરે એવું લાગી રહ્યું છે. ડેવિડ વૉર્નર અને ઍરોન ફિન્ચની જોડીએ ધમાલ મચાવી હતી એથી માર્નસ લબુશેન તેની ડેબ્યુ મૅચમાં કઈ કરી નહોતો શક્યો. જોકે આજની મૅચમાં સૌની નજર લેબુશેન પર રહેશે. છેલ્લે ઑસ્ટ્રેલિયા જ્યારે વન-ડે સિરીઝ રમવા આવ્યું હતું ત્યારે ઇન્ડિયા ૨-૩થી સિરીઝ હાર્યું હતું. આ સિરીઝમાં શું થાય એ જોવું રહ્યું.

india australia cricket news sports news wankhede rajkot