ક્રિકેટ બોર્ડે કરી યુવરાજ સિંહની કમબૅકની અરજી નામંજૂર

30 December, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડે કરી યુવરાજ સિંહની કમબૅકની અરજી નામંજૂર

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સ્થાનિક ક્રિકેટમાં કમબૅક કરવા માગતો હતો, પણ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ તેની આ ઇચ્છા પર પાણી ફેરવી દીધું છે. વાસ્તવમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ વતી રમવાની યુવરાજ સિંહની ઇચ્છા હતી, પણ કેટલાક નિયમોને પગલે બીસીસીઆઇએ તેની આ ટુર્નામેન્ટમાં રમવાની વિનંતી ઠુકરાવી દીધી હતી. 

૨૦૧૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી યુવરાજ સિંહે નિવૃત્તિ લઈ લીધી હતી. નિયમ અનુસાર કોઈ પણ પ્લેયર જો વિદેશી લીગમાં રમવાનું શરૂ કરી દે તો તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને સ્થાનિક ક્રિકેટમાં ભાગ ન લઈ શકે. આ જ નિયમને લીધે કલકત્તા નાઇટ રાઇડર્સને પ્રવીણ તાંબેને ડ્રૉપ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ યુવરાજ સિંહે વિવિધ ટી૨૦ લીગમાં ભાગ લીધો હતો. તે ગ્લોબલ ટી૨૦ કૅનેડા અને ટી૧૦ લીગમાં પણ રમી ચૂક્યો છે અને આગામી અબુ ધાબી ટી૧૦ લીગમાં પણ રમવાનો છે.

sports sports news cricket news yuvraj singh