શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહીં કરે ભારત

13 June, 2020 04:30 PM IST  |  New Delhi | Agencies

શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહીં કરે ભારત

ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરમાં કહ્યું છે કે ઑગસ્ટ મહિનામાં ત્રણ મૅચોની વન-ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહીં કરે. આ પહેલાં શ્રીલંકાએ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ જૂન મહિનામાં શ્રીલંકા સાથે રમાનારી વન-ડે અને ટી૨૦ સિરીઝ ઑગસ્ટ મહિનામાં રમવા માટે હા પાડે, પણ આ સિરીઝ માટે પણ બીસીસીઆઇએ ઇનકાર કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘કોવિડ-19ને કારણે ભારતીય ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ નહીં કરે. વાસ્તવમાં શ્રીલંકા સાથે ભારત ૨૪ જૂનથી ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ તથા ઝિમ્બાબ્વે સાથે ત્રણ વન-ડે ૨૨ ઑગસ્ટથી રમવાનું હતું. ૧૭ મેએ જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ કૉન્ટ્રૅક્ટેડ પ્લેયરો માટે સુરક્ષિત વાતાવરણમાં કૅમ્પેનનું આયોજન કરશે. ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ ઉત્સુક છે છતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે એ પ્રયાસને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ યોગ્ય નિર્ણય લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડના ઑફિસ બેરર્સ સરકારના દરેક નિર્ણય અને આદેશ પર નજર રાખી રહ્યા છે.’

ભારત સામેની સિરીઝ રમવા માટે હજી પણ આશાસ્પદ છે શ્રીલંકા

શ્રીલંકા ક્રિકેટ (એસસીએલ) ભારત અને શ્રીલંકા વચ્ચે જૂન મહિનામાં રમાનારી સિરીઝ વિશે હજી પણ આશાસ્પદ છે. આ સિરીઝ કોરોના વાઇરસને લીધે રદ કરવામાં આવી છે. શ્રીલંકા સાથે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પણ કૅન્સલ કરવામાં આવી છે. હાલમાં કેટલાક નિયમોમાં થઈ રહેલા સુધારાને ધ્યાનમાં રાખીએ તો આ સિરીઝ ઑગસ્ટ મહિનામાં રમાઈ શકે છે. શ્રીલંકા ક્રિકેટનું કહેવું છે કે જૂન ૨૦૨૦માં ભારત અને શ્રીલંકા વચ્ચે નક્કી કરવામાં આવેલી સિરીઝ શેડ્યુલ પ્રમાણે આયોજિત થઈ શકે એમ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ શ્રીલંકા ક્રિકેટને આ વાતની જાણકારી આપી હતી. શેડ્યુલ પ્રમાણે બન્ને દેશ વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમાવાની હતી.

india zimbabwe sri lanka cricket news sports news