કોરોના કેર, આઠ ખેલાડી આઉટ, ચારનું ડેબ્યુ

29 July, 2021 03:37 PM IST  |  Mumbai | Agency

કોરોના પૉઝિટિવ કૃણાલ પંડ્યા ઉપરાંત તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પણ ટી૨૦ સિરીઝમાંથી થયા બહાર, બીજી ટી૨૦માં દેવદત્ત પડિક્કલ, રિતુરાજ ગાયકવાડ, નીતિન રાણા અને ચેતન સાકરિયાને મળ્યો પહેલી વાર મોકો

કોરોના કેર, આઠ ખેલાડી આઉટ, ચારનું ડેબ્યુ

મેઇન ટીમ ઇંગ્લૅન્ડમાં વ્યસ્ત હોવાથી યુવા ખેલાડીઓની સાથે શ્રીલંકન ટૂરમાં ગયેલી ભારતીય ટીમને કોરોના બરાબરનો નડ્યો હતો. પહેલાં તો લંકન ટીમ કોરોનાગ્રસ્ત થતાં સિરીઝ મોડી શરૂ થઈ હતી અને મંગળવારે ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો. તેના સંપર્કમાં આવેલા પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, મનિષ પાન્ડે, ઇશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં તેમને ૭૨ કલાક સુધી મેદાનમાં ઊતરવાની પરમિશન ન હોવાથી સિરીઝમાંથી બહાર થઈ ગયા હતા. કોરોનાગ્રસ્ત કૃણાલને બીજી હોટેલમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓને ટીમની જ હોટેલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. 
બીજી ટી૨૦ પણ પોસ્ટપોન્ડ કરીને એક દિવસ બાદ એટલે કે ગઈ કાલે રમાડાઈ હતી. ત્રીજી અને છેલ્લી મૅચ શેડ્યુલ પ્રમાણે જ આજે રમાશે. આમ બન્ને ટીમોએ લગાતાર બે દિવસ મૅચ રમવી પડશે. આઠેક ખેલાડીઓ આમ એકસાથે સિરીઝમાંથી આઉટ થઈ જતાં ભારતે ગઈ કાલે એકસામટા ચાર યુવા ખેલાડીઓને ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરાવવાની ફરજ પડી હતી. ગઈ કાલે દેવદત્ત પડિક્કલ, રિતુરાજ ગાયકવાડ, નીતિન રાણા અને ચેતન સાકરિયાએ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું. 
ભારતીય મૅનેજમેન્ટે ગઈ કાલે ટીમ સાથે ગયેલા ચારેય નેટબોલરો ઇશાન પૉરેલ, સંદીપ વૉરિયર, સિમરનજીત સિંહ અને આર. સાઇ કિશોરનો મુખ્ય ટીમમાં સમાવેશ કરી દીધો હતો.

શ્રીલંકા ચાર વિકેટે જીત્યું
આઠ ખેલાડીઓ ટીમમાંથી બહાર થયા બાદ નબળી પડી ગયેલી ભારતીય ટીમને શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં બે બૉલ બાકી રાખીને ચાર વિકેટે હરાવી દીધી હતી. શ્રીલંકાએ આ જીત સાથે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક મૅચ આજે સાંજે રમાશે.
ભારતીય ટીમ ફસડાઈ પડી હતી અને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ફક્ત ૧૩૨ રન જ બનાવી શકી હતી. શ્રીલંકાની ટીમ એકસમયે ૬૬ રનમાં ચાર વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ ડિસિલ્વા (અણનમ ૪૦), હસરંગા (૧૫) અને કરુણારત્ને (અણનમ ૧૨)ની મદદથી ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીની જીત મેળવી લીધી હતી. 

sports news sports cricket news sri lanka