રોહિત શર્મા પર કૉંગ્રેસ નેતાએ કરી એકદમ નીચલા સ્તરની ટીકા, તેને જાડો પણ કહ્યો...

04 March, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Congress Leader on Rohit Sharma: કૉંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ પર ટિપ્પણી કરતા કહ્યું "ટીમ ઇન્ડિયાનો સૌથી અપ્રભાવશાળી કૅપ્ટન", જેને લઈને વિવાદ થયો. BCCI અને ભાજપે આકરો વિરોધ કર્યો, જ્યારે કૉંગ્રેસે નિવેદનથી પોતાને દૂર રાખ્યું.

રોહિત શર્મા (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ પર ટિપ્પણી કરતાં કહ્યું "રોહિત શર્માને વજન ઘટાડવાની જરૂર" છે અને તેને "ટીમ ઇન્ડિયાનો સૌથી અપ્રભાવશાળી કૅપ્ટન" ગણાવ્યો. આ ટિપ્પણી બાદ બીસીસીઆઈ (Board of Control for Cricket in India) અને ભાજપે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે, જ્યારે કૉંગ્રેસે શમા મોહમ્મદના નિવેદનથી પોતાને દૂર રાખ્યું છે.

શમા મોહમ્મદની ટિપ્પણી
ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચમાં રોહિત શર્મા 17 બૉલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, શમા મોહમ્મદે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે રોહિત શર્માને "વજન ઘટાડવાની જરૂર" હોવાનું જણાવ્યું. આ ટિપ્પણી ટૂંક સમયમાં જ વાયરલ થઈ અને શર્માના સમર્થકો અને ક્રિકેટપ્રેમીઓએ તેને બોડી-શેમિંગ ગણાવી ભારે વિરોધ કર્યો. ટિપ્પણી પર સોશિયલ મીડિયામાં ભારે બબાલ થતાં, શમા મોહમ્મદે પોતાના નિવેદન પર ચોખવટ આપતાં કહ્યું કે, "આ ફક્ત એક સ્પોર્ટસમૅનની ફિટનેસ પર સામાન્ય ટિપ્પણી હતી, અને લોકશાહીમાં દરેકને પોતાનું મંતવ્ય રાખવાનો અધિકાર છે." તેમ છતાં, ભારે દબાણ વચ્ચે, તેમણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી.

BCCI અને ભાજપની પ્રતિક્રિયા
શમા મોહમ્મદની ટિપ્પણી બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ભાજપે આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ANI સાથેની વાતચીતમાં આ ટિપ્પણીને નિંદનીય ગણાવી હતી. તેમને કહ્યું કે ટીમ ઇન્ડિયા આટલી મહત્વની ટુર્નામેન્ટ રમી રહી છે અને એવા સમયે આવા નિવેદનો ખેલાડીઓના મનોબળને અસર કરી શકે છે. વ્યક્તિગત લાભ માટે ખેલાડીઓ પર અપમાનજનક ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી. ભાજપના નેતા મનજિંદર સિરસાએ પણ આ મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું કે, "કૉંગ્રેસના સત્તાવાર પ્રવક્તા દ્વારા આવી ટિપ્પણી કરવી શરમજનક છે. આ સ્પષ્ટ કરે છે કે કૉંગ્રેસની માનસિકતા કેટલી નીચી થઈ ગઈ છે." ભાજપના અન્ય નેતા પ્રદીપ ભંડારીએ દાવો કર્યો કે, "કૉંગ્રેસ પાર્ટી એ સંદેશ આપવા માગે છે કે જે લોકો ભારત માટે સારું કરે છે, તેઓએ વિપક્ષનો વિરોધ સહન કરવો પડશે."

કૉંગ્રેસનો અભિપ્રાય
આ મુદ્દો વધતા, કૉંગ્રેસે પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું. કૉંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે શમા મોહમ્મદની ટિપ્પણીઓ પાર્ટીની સત્તાવાર વિચારધારાને પ્રતિબિંબિત કરતું નથી. તેમને પોસ્ટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે." કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું કે તેઓ ખેલાડીઓનો સન્માન કરે છે અને કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓને સમર્થન આપતા નથી.

શમા મોહમ્મદનો સમર્થન આપતા તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્યે કહ્યું કે રોહિત શર્માનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું છે. એક સેન્ચ્યુરી માર્યા સિવાય, તે 2, 3, 4, અથવા 5 રન બનાવ્યા પછી આઉટ થઈ જાય છે. તે ટીમમાં ન હોવો જોઈએ. ખેલાડીઓ સારું રમે છે એટલે ભારત જીતે છે,  પરંતુ કેપ્ટન યોગદાન આપતો નથી. તેમણે કહ્યું "શમા મોહમ્મદે જે કહ્યું છે તે સાચું છે."

rohit sharma congress bharatiya janata party trinamool congress indian cricket team board of control for cricket in india champions trophy national news