જેમાઇમાની જમાવટ પછી રેણુકાનો રણકાર

05 August, 2022 01:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મુંબઈકરે અણનમ ૫૬ રન બનાવ્યા અને પેસ બોલરે બાર્બેડોઝની પહેલી ચારેચાર વિકેટ ઝડપી લીધી : ભારત પહોંચી ગયું સેમી ફાઇનલમાં

રેણુકા સિંહ

કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ટી૨૦ સ્પર્ધામાં બુધવારે ભારતે બાર્બેડોઝ પર શરૂઆતથી છેક સુધી વર્ચસ જમાવી રાખીને એને ૧૦૦ રનથી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટી૨૦માં આ ભારતની મલેશિયા સામેની ૧૪૨ રનની જીત પછીની બીજી સૌથી મોટી જીત હતી. બૅટર જેમાઇમા રૉડ્રિગ્સ અને બોલર રેણુકા સિંહ આ મૅચની બે સ્ટાર્સ હતી.

ઇન-ફૉર્મ ઓપનર સ્મૃતિ મંધાના (પાંચ રન) આ વખતે સારું નહોતી રમી, પણ શેફાલી વર્મા (૪૩ રન, ૨૬ બૉલ, એક સિક્સર, સાત ફોર), જેમાઇમા રૉડ્રિગ્સ (૫૬ અણનમ, ૪૬ બૉલ, એક સિક્સર, છ ફોર) તેમ જ દીપ્તિ શર્મા (૩૪ અણનમ, ૨૮ બૉલ, એક સિક્સર, બે ફોર)ની ઝમકદાર ઇનિંગ્સની મદદથી ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. શાનિકા બ્રુસ, કૅપ્ટન હેલી મૅથ્યુઝ, શકેરા સેલ્મનને એક-એક વિકેટ મળી હતી, પરંતુ તાજેતરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલી ડીએન્ડ્રા ડૉટિનને એકેય વિકેટ નહોતી મળી.

બાર્બેડોઝની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ફક્ત ૬૨ રન બનાવી શકી હતી. એક પણ બૅટર ૨૦ રન પણ નહોતી બનાવી શકી. ૨૬ વર્ષની રાઇટ-આર્મ મીડિયમ પેસ બોલર રેણુકા સિંહે ફક્ત ૧૦ રનમાં ૪ વિકેટ લીધી હતી. પહેલી ચાર વિકેટ તેણે લીધી હતી, જેમાં ઓપનર ડૉટિન, કૅપ્ટન મૅથ્યુઝ, વિકેટકીપર કાયસિયા નાઇટ, આલિયા એલીનનો સમાવેશ હતો.

સેમી ફાઇનલમાં પહોંચવા મક્કમ ભારતીય ટીમની આઠ બોલર્સે બોલિંગ કરી હતી, જેમાં ખુદ કૅપ્ટન હરમનપ્રીત પણ હતી. તેને તેમ જ રાધા યાદવ, મેઘના સિંહ અને સ્નેહ રાણાને એક-એક વિકેટ મળી હતી.

સ્મૃતિ મંધાનાએ ૨૦૧૯ની વિમેન્સ આઇપીએલ (ટી૨૦ ચૅલેન્જ)માં કહ્યું હતું કે તારે હરમનપ્રીત કે મંધાના નથી બનવાનું. તારે જેમાઇમા જ બનવાનું છે અને એને ધ્યાનમાં રાખીને તું પર્ફોર્મ કર. મેં એ રોલ બરાબર સમજી લીધો જેનાથી મને ઘણી મદદ મળી. : જેમાઇમા રૉડ્રિગ્સ

ઇંગ્લૅન્ડની કૅપ્ટન ‘આઉટ’

ભારત બુધવારે કૉમનવેલ્થમાં બાર્બેડોઝને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચ્યું અને એમાં એનો મુકાબલો ઇંગ્લૅન્ડ અથવા ન્યુ ઝીલૅન્ડ સામે થઈ શકે એવી ચર્ચા વચ્ચે સમાચાર આવ્યા હતા કે ઇંગ્લૅન્ડની કૅપ્ટન હીધર નાઇટ પગની ઈજાને કારણે કૉમનવેલ્થની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગઈ છે. નેટ શિવર બ્રિટિશ ટીમની કૅપ્ટન છે.

19
બાર્બેડોઝે આટલા રનમાં ગુમાવેલી પહેલી ચારેચાર વિકેટ રેણુકા સિંહે લીધી હતી.

sports news sports indian cricket team