આજે દિલ્હી-કલકત્તા વચ્ચે કાંટે કી ટક્કર

13 October, 2021 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શારજાહમાં ક્વૉલિફાયર-ટૂમાં ટક્કર : દિલ્હીની ટીમ માટે પ્રથમ ટાઇટલ હાથવેંતમાં, કલકત્તા માટે ત્રીજી ટ્રોફી જીતવી કઠિન તો છે જ : ધોનીના ધૂરંધરો રાહ જુએ છે

આજે દિલ્હી-કલકત્તા વચ્ચે કાંટે કી ટક્કર

આઇપીએલમાં આજે ક્વૉલિફાયર-ટૂ જીતીને દિલ્હી કૅપિટલ્સ પહેલી વાર ટાઇટલ જીતવાના સંકલ્પ સાથે ફાઇનલમાં જશે, જ્યારે ઇયોન મૉર્ગનની કલકત્તા નાઇટ રાઇડર્સે ત્રીજી વાર ટાઇટલ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સની બરાબરી કરવા માટે પહેલાં તો આજે અહીં રિષભ પંત ઍન્ડ કંપનીને સજ્જડ પરાજય આપવો પડશે. જો આજે પંતની દિલ્હી જીતી જશે તો ફાઇનલ ઑલ ઇન્ડિયન કૅપ્ટનવાળી થઈ જશે.
આજના બન્ને હરીફો વચ્ચે લેટેસ્ટ તફાવત એટલો છે કે દિલ્હીની ટીમ ક્વૉલિફાયર-વનમાં ચેન્નઈ સામે હારીને ક્વૉલિફાયર-ટૂમાં આવી છે, જ્યારે કલકત્તાએ એલિમિનેટરમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને હરાવીને દિલ્હીને ચેતવી દીધી છે. આજે હારનારી ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે, પરંતુ જીતનારી ટીમે શુક્રવારની દુબઈની ફાઇનલમાં ધોનીના ધુરંધરોને નમાવવા લોઢાના ચણા ચાવવા પડશે.
જો કલકત્તાનો જીતનો જોશ જળવાઈ રહેશે અને એના પ્લેયરો ખરા સમયે ખીલીને રમશે (જેમ સોમવારે સુનીલ નારાયણે ૪ વિકેટ અને ૨૬ રનનો પર્ફોર્મન્સ આપ્યો) તો દિલ્હી ભલે લીગ રાઉન્ડની ટૉપર હતી છતાં અને વધુ બૅલૅન્સ્ડ ટીમ હોવા છતાં આજે જીતવાના કલકત્તાના ચાન્સ વધુ છે.
જોકે રિકી પૉન્ટિંગના કોચિંગમાં દિલ્હીનો દેખાવ ઘણો સુધરી ગયો છે. દિલ્હી પાસે શિખર, પૃથ્વી, સ્ટીવ સ્મિથ, શ્રેયસ, હેટમાયર અને પંત રૂપે મજબૂત બૅટિંગ-તાકાત છે તો તેમને કાબૂમાં રાખી શકે એવા બોલરો (સુનીલ નારાયણ, ફર્ગ્યુસન, સાઉધી, વરુણ ચક્રવર્તી, રસેલ, શાકિબ, શિવમ માવી) કલકત્તા પાસે છે.

બીજી તરફ કલકત્તાની સાધારણ બૅટિંગ લાઇન-અપ સામે દિલ્હી પાસે કાબેલ બોલરો (અવેશ ખાન, કૅગિસો રબાડા, નોર્ટજે, ટૉમ કરૅન/સ્ટૉઇનિસ, અક્ષર પટેલ અને આર. અશ્વિન વગેરે) છે.

30
બન્ને ટીમ વચ્ચે આટલી મૅચ રમાઈ છે જેમાં ૧૫ કલકત્તા અને ૧૪ દિલ્હી જીત્યું છે. એક મૅચ અનિર્ણીત રહી હતી.

3
૨૮ સપ્ટેમ્બરે શારજાહમાં કલકત્તાએ દિલ્હીને આટલી વિકેટે હરાવ્યું હતું.

sports news sports cricket news