આઇપીએલનો ‘કરોડોપતિ’ ક્રિસ મૉરિસ અચાનક રિટાયર થઈ ગયો : હવે કોચ બનશે

12 January, 2022 11:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૅટિંગમાં તે હાર્ડ-હિટર તરીકે ઓળખાતો હતો

ક્રિસ મૉરિસ

૨૦૧૨થી ૨૦૧૯ દરમ્યાન સાઉથ આફ્રિકા વતી ૪૨ ટેસ્ટ, ૨૩ ટી૨૦ અને ૪ ટેસ્ટ રમનાર ઑલરાઉન્ડર ૩૪ વર્ષના ક્રિસ મૉરિસે અચાનક તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તે આઇપીએલમાં છેલ્લે રાજસ્થાન રૉયલ્સની ટીમમાં હતો. તેણે સાઉથ આફ્રિકાની લીગ ક્રિકેટમાં ટાઇટન્સ ટીમનો કોચ બનવાનું નક્કી કર્યું છે.
તેણે ઘણી વાર કલાકે ૧૪૦ કિલોમીટર કરતાં વધુ ઝડપે બૉલ ફેંક્યા હતા અને બૅટિંગમાં તે હાર્ડ-હિટર તરીકે ઓળખાતો હતો.
૧૬.૫ કરોડનો ઑલરાઉન્ડર
મૉરિસે ૬૯ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૯૪ વિકેટ લીધી હતી અને ૭૦૦થી વધુ રન બનાવ્યા હતા. તે છેલ્લે ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા વતી રમ્યો હતો અને એ ટુર્નામેન્ટમાં તેણે પોતાની ટીમ વતી સૌથી વધુ વિકેટ લીધી હતી. ૨૦૧૨-’૧૩માં તે માંડ એક ટી૨૦ ઇન્ટરનૅશનલ રમ્યો હતો ત્યાં ચેન્નઈ સુપર કિંગ્સે તેને ૬,૨૫,૦૦૦ ડૉલરની કિંમતે (બેઝ પ્રાઇઝથી ૩૧ ગણી વધુ કિંમતે) ખરીદ્યો હતો. ૨૦૧૬માં દિલ્હીની ટીમે તેને ૭ કરોડ રૂપિયામાં અને ૨૦૨૦માં બૅન્ગલોરે ૧૦ કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. ૨૦૨૧ની હરાજીમાં રાજસ્થાને તેને ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદીને વિદેશનો મોસ્ટ-એક્સપેન્સિવ પ્લેયર બનાવ્યો હતો.
૯૫ સિક્સર, ૧૨૮ ફોર ફટકારેલી
મૉરિસે સમગ્ર ટી૨૦ કરીઅરમાં કુલ ૨૩૪ મૅચ રમીને ૨૯૦ વિકેટ લેવા ઉપરાંત ૧૮૬૮ રન બનાવ્યા હતા જેમાં ૯૫ સિક્સર અને ૧૨૮ ફોરનો સમાવેશ હતો.

sports sports news cricket news south africa