09 September, 2025 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કુંબલે, ક્રિસ ગેઇલ
યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલે T20 ક્રિકેટમાં હાઇએસ્ટ ૧૪,૫૬૨ રન ફટકાર્યા છે. આ વિસ્ફોટક બૅટ્સમૅન વિશ્વભરની લગભગ દરેક ફ્રૅન્ચાઇઝી લીગમાં રમ્યો છે. તેણે વર્ષ ૨૦૦૯થી ૨૦૨૧ સુધી અનુક્રમે કોલકાતા નાઇટ રાઇડર્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને પંજાબ કિંગ્સ માટે રમીને ૧૪૨ મૅચમાં ૪૯૬૫ રન બનાવ્યા હતા. IPLમાં અજોડ બૅટિંગ-રેકૉર્ડ હોવા છતાં લીગમાંથી એની બહાર નીકળવાની ઘટના એક અણધારી ઘટના હતી.
તેણે એક પૉડકાસ્ટમાં પંજાબ કિંગ્સ વિશે ચોંકાવનારા ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારી IPLની સફર પંજાબ સાથે અકાળે સમાપ્ત થઈ ગઈ હતી. સાચું કહું તો પંજાબ ટીમમાં મારું અપમાન થયું હતું. મને લાગ્યું કે જેણે લીગ માટે ઘણું બધું કર્યું છે અને ફ્રૅન્ચાઇઝીમાં મૂલ્ય ઉમેર્યું છે તેવા એક સિનિયર પ્લેયર તરીકે મારી સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી. એના બદલે તેમણે મારી સાથે બાળક જેવો વ્યવહાર કર્યો. મારા જીવનમાં પહેલી વાર મને લાગ્યું કે હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું.’
એ સમયના પંજાબના હેડ કોચ અનિલ કુંબલે પર ગંભીર આરોપ લગાવતાં તેણે કહ્યું કે ‘તમારું માનસિક સ્વાસ્થ્ય પૈસા કરતાં વધુ મહત્ત્વનું છે. એ સમયે અમે બાયો-બબલમાં ફસાઈ ગયા હતા જે મને માનસિક રીતે તોડી રહ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મારી છેલ્લી મૅચ પછી મને લાગ્યું કે હું અહીં રહીને ફક્ત મારી જાતને વધુ નુકસાન પહોંચાડીશ. મેં અનિલને ફોન કર્યો અને કહ્યું કે હું જઈ રહ્યો છું. હું તેની સાથે વાત કરતી વખતે રડ્યો, કારણ કે મને ખૂબ દુઃખ થયું હતું. હું તેના મૅનેજમેન્ટની રીતથી નિરાશ હતો. કૅપ્ટન કે. એલ. રાહુલે પણ મને ફોન કરીને સમજાવ્યો, પણ હું મારી બૅગ પૅક કરીને સીઝનની અધવચ્ચેથી નીકળી ગયો.’