બે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક

28 February, 2021 01:33 PM IST  |  Saint Joh | Gujarati Mid-day Correspondent

બે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક

ક્રિસ ગેઇલ

૩, ૫ અને ૭ માર્ચ દરમ્યાન શ્રીલંકા સામે ઘરઆંગણે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝે યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ સાથે ૪૧ વર્ષની ઉંમરે બે વર્ષ બાદ ગેઇલ વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં કમબૅક કરી રહ્યો છે. આઇપીએલ અને તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં સારા પર્ફોર્મન્સના આધારે ગેઇલનો ફરી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગેઇલ છેલ્લે ૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ બાદ ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં ભારત સામે રમ્યો હતો. ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ ગેઇલના નામે છે અને ૧૯૯૯માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યા બાદ ગેઇલ અત્યાર સુધી ૧૦૩ ટેસ્ટ, ૩૦૧ વન-ડે અને ૫૮ ટી૨૦ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યો છે.

ગેઇલ ઉપરાંત સિનિયર પેસ બોલર ફિડેલ એડવર્ડ્સ પણ ૩૯ વર્ષની ઉંમરે ૯ વર્ષના વનવાસ બાદ નૅશનલ ટીમમાં કમબૅક કરી રહ્યો છે. ટી૨૦ બાદ બન્ને દેશ વચ્ચે રમાનારી વન-ડે સિરીઝ માટે પણ ટીમ જાહેર કરવામાં આવી હતી. જોકે ગેઇલને વન-ડે સિરીઝમાં નથી સિલેક્ટ કરવામાં આવ્યો.

sports sports news cricket news west indies