12 February, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ સ્ટાર બૅટ્સમૅન ક્રિસ ગેઇલે ફરી એક વાર પોતાના રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના સાથી પ્લેયર વિરાટ કોહલીનું સમર્થન કર્યું છે. એક ક્રિકેટ-ટુર્નામેન્ટના કાર્યક્રમ માટે દિલ્હી આવેલા ક્રિસ ગેઇલે કહ્યું હતું કે ‘વિરાટનું હાલમાં ફૉર્મ ગમે એ હોય, તે હજી પણ વિશ્વનો શ્રેષ્ઠ પ્લેયર છે. વિરાટ કોહલી હજી પણ વિશ્વનો શ્રેષ્ઠ બૅટ્સમૅન છે. આંકડા આ વાતનો પુરાવો છે. આપણે બધાં જાણીએ છીએ કે તેણે બધાં ફૉર્મેટમાં મળીને કેટલી સેન્ચુરી ફટકારી છે. બધા ક્રિકેટરો આવા તબક્કામાંથી પસાર થાય છે. મને ખબર છે કે તે તેની કરીઅરના છેલ્લા તબક્કામાં છે, પણ આ બધી વાતો બનતી રહે છે. તેણે પોતાના પર વિશ્વાસ રાખવો પડશે અને વાપસી કરવી પડશે.’
વન-ડેમાં તેના કરતાં વધારે સિક્સર ફટકારનાર રોહિત શર્માને ક્રિસ ગેઇલે શહેરનો નવો રાજા કહ્યો હતો અને તે વધુ સિક્સર ફટકારશે એવી આશા વ્યક્ત કરી હતી. ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે એવી તેણે ભવિષ્યવાણી પણ કરી, પણ સાથે નિરાશા વ્યક્ત કરી કે તેની ટીમ વેસ્ટ ઇન્ડીઝ આ ટુર્નામેન્ટમાં રમી રહી નથી.
ધ યુનિવર્સ બૉસનો રેકૉર્ડ તોડી શકશે કિંગ કોહલી?
જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોહલી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ તોડી શકશે ત્યારે આ ટુર્નામેન્ટના હાઇએસ્ટ રન-સ્કોરર ગેઇલે કહ્યું કે ‘કોહલી માટે આ ખૂબ જ સરળ કાર્ય છે, કારણ કે તે મારા સ્કોરથી લગભગ ૨૦૦ રન દૂર છે. મને ખબર નથી કે તે કેટલી મૅચ રમશે, પણ મને વિશ્વાસ છે કે તે ૨૦૦થી વધુ રન બનાવશે. મને ખાતરી છે કે તે સેન્ચુરી ફટકારશે.’
ક્રિસ ગેઇલે ચૅમ્પિયન્સ ટ્રોફીની ૧૭ મૅચમાં ત્રણ સેન્ચુરી અને એક હાફ-સેન્ચુરીની મદદથી સૌથી વધુ ૭૯૧ રન બનાવ્યા છે. વિરાટ કોહલી હાઇએસ્ટ રન-સ્કોરરના આ લિસ્ટમાં અગિયારમા ક્રમે છે. તેણે ૧૨ મૅચમાં પાંચ હાફ-સેન્ચુરીની મદદથી ૫૨૯ રન બનાવ્યા છે. તે આ ટુર્નામેન્ટનો ઍક્ટિવ હાઇએસ્ટ રન-સ્કોરર છે, કારણ કે ટૉપ-ટેનમાં સામેલ તમામ ક્રિકેટર રિટાયર થઈ ચૂક્યા છે. ધ યુનિવર્સ બૉસનો આ રેકૉર્ડ તોડવા કોહલીએ ૨૬૩ રન ફટકારવા પડશે.