ધોની આવતા વર્ષે આઇપીએલ રમશે

15 July, 2019 10:26 AM IST  |  મુંબઈ

ધોની આવતા વર્ષે આઇપીએલ રમશે

વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડના હાથે મળેલી હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈ અનેક અટકળો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું હતું કે સેમી ફાઇનલ તેની કારકિર્દીની અંતિમ મૅચ હતી. જોકે ત્યાર બાદ ધોની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તેમ છતાં ધોની પરત આવતાં કોઈ જાહેરાત કરે એવી લોકો રાહ જોઈ રહ્યા છે અને પ્રશંસકો તેના આઇપીએલમાં રમવાને લઈને પણ ચિંતિત છે.

આ દરમ્યાન ધોનીના સંન્યાસને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આઇપીએલની ફ્રૅન્ચાઇઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે એક સૂત્રને કહ્યું કે ધોની આવતા વર્ષે આઇપીએલમાં રમશે. અહેવાલ મુજબ ૩૮ વર્ષના ધોનીની વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની શક્યતા છે, પરંતુ તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૨૦૨૦ સુધી આઇપીએલ રમશે.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

વર્લ્ડ કપની ગ્રુપ મૅચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ધીમી બૅટિંગના કારણે ધોનીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો જેનાથી અનેક લોકોએ તો તેને સંન્યાસ લેવાની પણ સલાહ આપી દીધી હતી, પરંતુ સેમી ફાઇનલમાં આ દિગ્ગજ વિકેટકીપરે પોતાની બૅટિંગથી સારું પ્રદર્શન કરી ભારતની જીતની આશા જીવંત કરી હતી. સેમી ફાઇનલમાં ટીમ કપરી સ્થિતિમાં મુકાયા બાદ ધોનીએ રવીન્દ્ર જાડેજાની સાથે સાતમી વિકેટ માટે ૧૧૬ રનની પાર્ટનરશિપ કરી હતી, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. માર્ટિન ગપ્ટિલે તેને રનઆઉટ કરીને ભારતની આશાઓ તોડી દીધી હતી.

ms dhoni mahendra singh dhoni indian premier league chennai super kings