ચૅમ્પિયન્સ ટ્રોફીમાં POTM અવૉર્ડ જીતનાર પહેલો કિવી વિકેટકીપર-બૅટર બન્યો લૅધમ

22 February, 2025 06:52 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

કિવી ટીમે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રનનો સ્કોર કરવાનો ભારતીય ટીમ (૩૧૯ રન)નો ૨૦૧૭નો રેકૉર્ડ પણ તોડ્યો છે.

ટૉમ લૅધમ

ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડના વિકેટકીપર-બૅટર ટૉમ લૅધમે પાકિસ્તાન સામે ૧૦૪ બૉલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૧૮ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સથી જીત અપાવવા બદલ તેને પ્લેયર ઑફ ધ મૅચ (POTM)નો અવૉર્ડ મળ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તે આ અવૉર્ડ જીતનાર ન્યુ ઝીલૅન્ડનો પહેલો વિકેટકીપર-બૅટર બન્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં ન્યુ ઝીલૅન્ડ માટે સેન્ચુરી ફટકારનાર પ્રથમ વિકેટકીપર-બૅટર બનવાની પણ સિદ્ધિ મેળવી છે.

લૅધમે અને ઓપનર વિલ યંગે (૧૧૩ બૉલમાં ૧૦૭ રન) પાકિસ્તાન સામે સેન્ચુરી કરીને વિશેષ સિદ્ધિ મેળવી છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી વાર ન્યુ ઝીલૅન્ડના બે બૅટર્સે એકસાથે સેન્ચુરી કરી છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે બે બૅટર્સે સેન્ચુરી કરી હોય એવી પણ પહેલી ઘટના છે. આ બન્નેની સેન્ચુરીની મદદથી ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે ૩૨૦ રન બનાવ્યા હતા. કિવી ટીમે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રનનો સ્કોર કરવાનો ભારતીય ટીમ (૩૧૯ રન)નો ૨૦૧૭નો રેકૉર્ડ પણ તોડ્યો છે.

champions trophy pakistan new zealand international cricket council cricket news sports news sports