02 March, 2025 10:07 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ પહેલાં કરાચીના સ્ટેડિયમમાં ટ્રોફી લઈને આવ્યો હતો શાહિદ આફ્રિદી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનમાં એક ન્યુઝ-ચૅનલ પરના લાઇવ શોમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમને લઈને મોટું નિવેદન આપ્યું છે. આફ્રિદીએ કહ્યું હતું કે ‘હું વસીમભાઈની વાત સાંભળી રહ્યો હતો. હા, અમે બધા (ભારત સામેની હાર પછી) લાગણીઓમાં ડૂબી ગયા હતા. તેમણે કહ્યું કે ટીમમાંથી ૬-૭ પ્લેયર્સને બહાર કરવાની જરૂર છે. વસીમભાઈ, મારો તમને એક જ પ્રશ્ન છે. શું તમારી પાસે બેન્ચ પર ૬-૭ પ્લેયર્સ છે જે તેમનું સ્થાન લઈ શકે? શું તમારી પાસે સ્થાનિક ક્રિકેટમાં એ સ્તરના પ્લેયર્સ છે? શું આપણે તેમને ઍકૅડેમીમાં તૈયાર કર્યા છે? આપણે પ્લેયર્સ બહાર કાઢી શકીએ છીએ, પણ લાવીશું કોને? જો આપણે એમ કરીશું તો પણ લોકો ફરીથી તેમના વિશે રડવા માંડશે અને વર્લ્ડ કપ પછી સર્જરી ફરી શરૂ થશે.’
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની નિષ્ફળતાને કારણે ટીમના સ્પૉન્સર્સ સાથે પણ ડીલ કરવી મુશ્કેલ બનશે એવાં એંધાણ છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૬ માર્ચથી ન્યુ ઝીલૅન્ડમાં લિમિટેડ ઓવર્સની સિરીઝ રમવા જવાની છે એ પહેલાં ટીમના સિનિયર પ્લેયર્સ વિશે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.