જીતની ક્રેડિટ ગિલ અને સિરાજને: કૅપ્ટન રહાણે

30 December, 2020 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીતની ક્રેડિટ ગિલ અને સિરાજને: કૅપ્ટન રહાણે

રહાણેએ કહ્યું કે ‘જીતનું શ્રેય હું ડેબ્યુ પ્લેયર શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજને આપવા માગું છું. ઍડીલેડમાં પહેલી ટેસ્ટ હાર્યા બાદ તેમણે પોતાનું કૅરૅક્ટર દર્શાવ્યું જે ઘણું સારું હતું. અમારા માટે એ કૅરૅક્ટર વધારે મહત્ત્વનું હતું, ખાસ કરીને બીજી ઇનિંગમાં ઉમેશને ગુમાવ્યા બાદ. પાંચ બોલર સાથે રમવાની અમારી યોજના સફળ રહી. ઑલરાઉન્ડર તરીકે જાડેજાએ પણ ઘણી કમાલ કરી. અમે સૌકોઈ શુભમનની ફર્સ્ટ ક્લાસ કરીઅરને જાણીએ છીએ અને આ સ્તરે શૉર્ટ ફટકારવાની તેની ધગશ પ્રશંસનીય છે. સિરાજે પણ અનુશાસનમાં રહીને બોલિંગ કરી. એક ડેબ્યુ કરનાર પ્લેયર માટે અનુશાસનમાં રહીને બોલિંગ કરવી થોડી પડકારજનક હોય છે, પણ મને લાગે છે કે તેને પોતાનો ફર્સ્ટ ક્લાસ મૅચનો અનુભવ કામ લાગ્યો.’

કૅપ્ટન તરીકે પ્રથમ ત્રણ ટેસ્ટ જીતીને રહાણેએ કરી ધોનીની બરોબરી

ધરમશાલામાં ૨૦૧૬-’૧૭માં ઑસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે અને ૨૦૧૮માં બૅન્ગલોરમાં અફઘાનિસ્તાન સામે એક ઇનિંગ્સ અને ૨૬૨ રનથી શાનદાર જીત બાદ અજિંક્ય રહાણેએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ફરી ૮ વિકેટે જીત મેળવીને કૅપ્ટન તરીકે જીતની હૅટ-ટ્રિક કરી હતી. આવી કમાલ કરનાર મહેન્દ્ર સિંહ ધોની બાદ તે બીજો ભારતીય કૅપ્ટન બન્યો હતો. ધોનીઅે ટેસ્ટ-કૅપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૮ વિકેટે, બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૧૭૨ રનથી અને ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ૬ વિકેટથી હરાવીને જીત મેળવી હતી.

પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટ સાથે સિરાજની એન્ટ્રી: શમી બાદ બીજો

મોહમ્મદ સિરાજે કરીઅરની પ્રથમ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં બે અને બીજી ઇનિંગ્સમાં ૩ સાથે કુલ પાંચ વિકેટ સાથે કમાલની શરૂઆત કરી છે. ૭ વર્ષ બાદ કોઈ ભારતીય બોલરે પ્રથમ ટેસ્ટમાં પાંચ કે વધુ વિકેટ લીધી છે. છેલ્લે ૨૦૧૩માં મોહમ્મદ શમીએ તેની પ્રથમ કલકત્તા ટેસ્ટમાં પાંચથી વધુ વિકેટ લીધી હતી. સિરાજને આ ટેસ્ટમાં શમી ઇન્જર્ડ થતાં રમવા મળ્યું છે.

sports sports news cricket news test cricket ajinkya rahane