ક્રિકેટ બૅન છે તો પછી ‘ટમાટર, પ્યાજ’નો બિઝનેસ કેમ ચાલુ છે?: શોએબ અખ્તર

19 February, 2020 07:40 AM IST  |  Lahore

ક્રિકેટ બૅન છે તો પછી ‘ટમાટર, પ્યાજ’નો બિઝનેસ કેમ ચાલુ છે?: શોએબ અખ્તર

શોએબ અખ્તર

છેલ્લાં કેટલાંય વર્ષથી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ અને એ સંદર્ભે બન્ને ટીમના પ્લેયર થોડાઘણા અંશે નાખુશ પણ છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર શોએબ અખ્તરે બન્ને ટીમ વચ્ચે ક્રિકેટ કેમ નથી રમાતી એ વિશે સવાલ કર્યા છે. યુટ્યુબ પર તેની ચૅનલમાં શોએબે કહ્યું હતું કે ‘અમે એકબીજા સામે ડેવિસ કપ રમીએ છીએ, કબડ્ડી રમીએ છીએ તો ક્રિકેટ સાથે શું તકલીફ છે? જો આપણે સાથે મળીને ન રમવું હોય તો બન્ને દેશો વચ્ચેના વેપારને પણ બંધ કરી દો અને કબડ્ડી રમવાનું પણ બંધ કરી દો. શા માટે માત્ર ક્રિકેટને જ રાજનીતિનો શિકાર બનાવો છો? આ ઘણી દુખદ બાબત છે. આપણે ટમેટાં, કાંદા ખાઈએ છીએ, સારી ક્ષણો સાથે માણીએ છીએ તો પછી શા માટે ક્રિકેટ સાથે નથી રમતા? હું સમજી શકું છું કે પાકિસ્તાનમાં ભારત અને ભારતમાં પાકિસ્તાન રમવા નથી માગતું, પણ આપણે બન્ને ટીમ સહમત હોય એવી જગ્યાએ રમી શકીએ છીએ. વીરેન્દર સેહવાગ, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલીને અમે પણ પ્રેમ કરીએ છીએ. આપણી વચ્ચેના તફાવતને કારણે ક્રિકેટને અસર ન થવી જોઈએ. આશા રાખું કે બન્ને ટીમ ભવિષ્યમાં દ્વિપક્ષીય સિરીઝ જરૂર રમશે.’

શોએબે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ વાત કહી એ પહેલાં યુવરાજ સિંહ અને શાહિદ આફ્રિદીએ પણ એક વિડિયોમાં ભારત-પાકિસ્તાન મૅચ રમાડવાનો આગ્રહ કર્યો હતો. ૨૦૧૩ પછી બન્ને ટીમો દ્વિપક્ષીય સિરીઝ નથી રમી.

cricket news sports news india pakistan